Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગુજરાતની તમામ લવાદ કોર્ટો વર્ચ્યુઅલ કોર્ટથી ચલાવવા વકીલોની માંગણી

ગુજરાત સ્ટેટ કો.ઓપ-બાર એસો.ની અમદાવાદ ખાતે મળેલ મીટીંગમાં ૧ લી ઓગસ્ટથી ઇન્ટરનેટના માધ્યમથી આભાસી કોર્ટ ચાલુ કરવા થયેલ ઠરાવઃ સવારના ૧૧ થી બપોરના ૨ સુધી લવાદ કોર્ટ શરૂ કરી પક્ષકારોની હાજરી વિના કેસો ચલાવવા રજુઆત

રાજકોટ,તા.૧૬: ગુજરાત રાજયની તમામ સહકારી સંસ્થાઓનાં વિવાદો લવાદ કોર્ટમાં ચાલે છે, સમગ્ર ગુજરાતમાં આશરે ૧૭ લવાદ કોટો કાર્યરત છે, તેમા પ્રેકટીસ કરતાં એડવોકેટોનું બાર એસોસીએશન એટલે કે ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન, અમદાવાદ કાર્યરત છે, સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ શહેરમાં લવાદ કોર્ટ કાર્યરત છે.

રાજકોટ શહેરનાં સહકારી ક્ષેત્રનાં અગ્રગણ્ય અને સીનીયર એડવોકેટ શ્રી મહેન્દૂભાઈ ફડદુએ જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની સંસ્થાઓનાં તમામ જીલ્લાઓની સંસ્થાઓનાં રાજકોટ શહેરમાં બોર્ડ ઓફ નોમીનીઝ એટલે કે લવાદ કોર્ટમાં દાવાઓ ચાલે છે તેથી રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વકીલો અને પક્ષકારોએ આવવાનું થતુ હોય છે, હાલનાં સંજોગોમાં વકીલો અને પક્ષકારોએ આવવું ઉચિત નથી અને સાથે સાથે તે ન્યાયીક પ્રક્રિયાઓ ચાલુ રહેવી પણ જરૂરી છે તેથી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બાર એસોસીએશન, અમદાવાદનાં પ્રમુખશ્રી હિતેષભાઈ શાહના અધ્યક્ષ સ્થાનેથી અમદાવાદ મુકામે મોટીંગ મળેલ, એ મીટીંગમાં એવુ નકકી કરવામાં આવેલ છે કે સમગ્ર ગુજરાતની તમામ લવાદ કોર્ટમાં ઈન્ટરનેટ સહિતની ફેસીલીટી સરકારશ્રી દ્વારા ઉભી કરવામાં આવે અને તેનાં માધ્યમથી વચ્ચુઅલ કોર્ટથી સુનાવણી કરવામાં આવે તો પક્ષકારોને ન્યાય પણ મળો રહેશે અને હાલનાં સંજોગોમાં બધા જ લોકોને અનુકુળતા રહે તેવું એક સુચન સાથે રજુઆત કરેલ છે

વિશેષમાં એડવોકેટ શ્રી મહેન્દૂભાઈ ફડદુએ જણાવેલ છે કે...હાલ કોરોના મહામારીનાં કારણે વિવિધ જીલ્લામાં આવેલી બોર્ડ ઓફ નોમીનીઝ કોટ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. ટ્રીબ્યુનલમાં છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ન્યાયીક પ્રક્રિયા સ્થગીત છે અને જેનાંથી પ્રજાજનો / સંસ્થાઓને હાડમારી અને અનહદ નુકશાન થઈ રહયુ છે અને જેનાં કારણે અરાજકતા ફેલાઈ શકે છે, હાલ સુપ્રિમ કોર્ટ, વિવિધ હાઈકોર્ટ સહિતની અન્ય કોર્ટો અને ટ્રીબ્યુનલોમાં ઈન્ટરનેટ માધ્યમથી વર્ચ્યુઅલ કોર્ટ પ્રક્રિયા શરૂ થયેલી છે એટલે તે મુજબ તાત્કાલીક ધોરણે તમામ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. ટ્રોબ્યુનલ શરૂ થાય તેવી સહકાર ક્ષેત્રમાં પ્રેકટીસ કરતા વકોલશ્રીઓએ માંગણી કરેલ છે અને આથી રાજયમાં આવેલ તમામ બોર્ડ ઓફ નોમોનીઝ કોર્ટ તથા ટ્રીબ્યુનલમાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટથી તુરત જ વ્યવસ્થા પુરી પાડી તાત્કાલીક વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટ પ્રક્રિયા શરૂ થાય તેવી સહકાર મંત્રી, સેક્રેટરી તથા રજીસ્ટ્રારશ્રીને જરૂરી રજુઆત કરવાનુ નકકો કરવામાં આવેલ છે.

ગુજરાત બાર એસોશીએશનની ર્મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ તા.૩૧/૦૭/૨૦૨૦ સુધી મે. સહકારી પંચ, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા સહકાર ખાતા સમક્ષ ચાલતી કાર્યવાહીથી અળગા રહેવું તેમ નકકી કરવામાં આવે છે. જો અસાધારણ સંજોગોમાં કોઈ મેટરની સુનાવણી કરવાની જરૂર પડે તો તથા નવા દાવાની કાર્યવાહી હોય તો સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ દરમ્યાન ચલાવવા વિનંતી કરવામાં આવે છે અને વકીલશ્રી કે પક્ષકારોની ગેરહાજરીમાં એક તરફી હુકમ ન કરવા તથા મુદત આપવા કોર્ટને વિંનતી કરવાનું નકકી કરેલ છે અને તા.૦૧/૦૮/૨૦૨૦ થી એક માસ માટે રોજેરોજ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ તથા ટ્રીબ્યુનલમાં સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ સુધી ૧૦ મેટરનુ બોર્ડ રાખી કોર્ટ રૂમમાં પક્ષકારની હાજરી સિવાય માત્ર જે કેસ ચાલવાનો હોય તે જ કેસનાં વકીલશ્રીઓ હાજર રહી લેખીત કે મૌખીક દલીલોની રીતે કોર્ટની કાર્યવાહી શરૂ થાય તેવું મે. સહકારી પંચ તથા બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં આયોજન થાય તે રીતનો પ્રયત્ન કરવા મે. સહકારી પંચ તથા બોર્ડ ઓફ નોમીનીઝને વિનંતી કરવાનું નકકી કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર - કચ્છનાં સહકારી ક્ષેત્રનાં પ્રેકટીસ કરતાં એડવોકેટશ્રીઓ, સહકારી સંસ્થાઓ, તેનાં સભાસદો અને લવાદ કોર્ટમાં કાર્યરત કેસોનાં પક્ષકારોની રજુઆતો સરકારશ્રીમાં મોકલવા માટે લવાદ કોર્ટ, રાજકોટનાં જજ શ્રી ગોસાઈ તથા શ્રી દવે સમક્ષ ગુજરાત સ્ટેટ કો-ઓપ. બાર એસોસીએશન, અમદાવાદનાં ઠરાવો રજુ કરવામાં આવશે અને બાર એસોસીએશન દ્વારા કરવામાં આવેલ ઠરાવથી માહિતગાર કરવામાં આવશે.

(11:41 am IST)