Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગુરુપૂર્ણિમાએ બગદાણામાં હજારો ભાવિકો ઉમટ્યા :બજરંગદાસ બાપાની ગુરુવંદના કરી

ભક્તિસભર માહોલમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

પૂ.બજરંગદાસબાપાના બગદાણા ગામે ગુરૂઆશ્રમમાં હાજરો ભાવિકો ઉમટ્યા હતા ભક્તિસભર માહોલમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી સંપન્ન થઇ હતી. ગત રાત્રીથી જ પગપાળા ચાલીને આવેલા યાત્રાળુઓ તેમજ અન્ય નાના મોટા વાહનો દ્વારા ભાવિકજનો બગદાણા ધામે પહોંચ્યા હતા. આજે વહેલી સવારે પણ ચિકકાર માવન મેદની બાપા સીતારામના નાદ સાથે ગુરૂ મહારાજના ચરણોમાં પહોંચી હતી.

ગુરૂપૂનમની પૂર્વ સંધ્યાએ ગુરૂઆશ્રમ ખાતે ધર્મસભા મળી હતી જેમાં ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો, સ્વયંસેવકોની હાજરી રહી હતી. આજે વહેલી સવારથી ભક્તજનોની ભારે ભીડ વચ્ચે બાપા સીતારામ બાપાસીતારામના નાદ વચ્ચે મંગલા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો શુભારંભ થયો હતો. ધ્વજાપૂજન અને ધ્વજાદંડ આરોહણની વિધી પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહિમાપૂર્ણ ગુરૂપૂજન વિધી સંપન્ન થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો-ભાઇઓએ જોડાયા હતા. બગદાણા કેન્દ્રવર્તી શાળાની નવ દિકરીઓ દ્વારા પૂજા આરતી થયા હતા.

ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમા ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ ગુરૂવંદના કરી હતી. રામ-રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા ચૂનંદા અને તાલીમબદ્ધ સ્વયંસેવકોની મસમોટી ફોજે રસોડા વિભાગ સહિતના અલગ અલગ વિભાગોમાં સેવા બજાવી હતી. રસોડા વિભાગમાં શાળામાં નવા રસોડા ખાતેની ભોજનશાળામાં બહેનો તથા ગોપાલગ્રામની ભોજન શાળામાં ભાઇઓ માટેભોજન પ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સૌએ પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો. સંત બજરંગદાસબાપા મા.શાળાની ૨૦૦ વિદ્યાર્થીઓએ બહેનોની ભોજન શાળામાં સ્વયંસેવકો તરીકે સેવા બજાવી હતી. એસ.ટી.બસની સ્પે.બસ દોડાવવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો

(11:26 pm IST)