Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાજ્યના યુવાધનને રમતોના ક્ષેત્રમાં વધુ પ્રોત્સાહિત કરાશે

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ અપાશે : ચાલુ વર્ષે ખેલ મહાકુંભ હેઠળ જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ વિજેતા જાહેર થનાર ખેલાડીઓને ૪૦ કરોડના પુરસ્કાર

અમદાવાદ,તા.૧૬ : ગુજરાત રાજ્યના યુવાધનની કાબેલિયત તથા રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજય સરકાર કટિબધ્ધ છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિના મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યુ છે ગુજરાતના ખેલાડીઓને ખેલમહાકુંભ અને ખેલો ઇન્ડિયા થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સશક્ત મંચ પૂરો પાડવા સક્રિય એવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે  રૂપિયા પ૭૯.૨૬ કરોડની  અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતના યુવા ધનને ખેલ મહાકુંભ અને ખેલો ઈન્ડિયાના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોચવાની તક મળી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની ૫૭૯.૨૬ કરોડને માંગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતો મંત્રીએ જણાવ્યુ કે, રમતગમતને પ્રોત્સાહન આપવાની રાજય સરકારની નીતીને લઈ છેલ્લા ૨ વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રાજયના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૧૫૦ ગોલ્ડ, ૨૬૩ સિલ્વર અને ૪૯૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૯૦૩ મેડલ મેળવેલ છે. જ્યારે આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૭૩ ખેલાડીઓએ ૬૫ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૧૬ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડાંગની દીકરી સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, એલાવેનીલ, કુ.તસ્નીમ મીર, આર્યન નહેરા, ધ્વજ હરીઆ, કુ. વૈદેહી ચૌધરી જેવી અનેક પ્રતિભાઓએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રદાન કર્યુ છે. મંત્રીએ જણાવ્યુ કે,  તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની દીર્ધદ્રષ્ટીને પરિણામે  રાજયમાં ૨૦૧૦થી નિયમિત રીતે દરવર્ષે ખેલ મહાકુંભનું આયોજનના પરિણામે પ્રતિ વર્ષ ખેલમહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.

(9:36 pm IST)