Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિસનગરમાં સીબીઆઈના ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી ઠગાઈ આચરનાર ટોળકીની દિલ્હીથી ધરપકડ

વિસનગર: શહેરમાં રહેતા એક શખસ સાથે ફેસબુક એકાઉન્ટ ઉપર સીબીઆઈના ડાયરેક્ટર હોવાની ઓળખ આપી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વખતો વખત તેની સાથે સોશ્યલ મિડીયા ઉપર વાતચીત કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો. તે દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. બાદમાં તેના અન્ય સાથીદારોની મદદથી વિસનગરના શખસને વિશ્વાસમાં લઈ જુદા-જુદા બહાના હેઠળ મોંઘીદાટ વસ્તુઓ સસ્તામાં આપવાની લાલચ આપી હતી. જેમાં ફસાઈ જતાં તેમણે અલગ અલગ બેંક ખાતામાં ઠગ ટોળકીના કહેવા પ્રમાણે અત્યારસુધીમાં રૃ.૭૫૬૦૮૯૯ જેટલી રકમ જમા કરાવી હતી. પરંતુ સમય વિતવા છતાં કોઈ વસ્તુ ન મળતાં છેવટે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હીમાં વોચ ગોઠવીને ઓનલાઈન છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીના બે નાઈજિરીયન અને દિલ્હીની એક મહિલા અને બે પુરુષો સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

(5:45 pm IST)