Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમદાવાદ ફઇબાના ઘરે રજા માણવા આવેલ રાજપીપળા નજીકના તરોપા ગામની બાળાનો કાંકરિયા રાઇડમાં ભોગ લેવાતા અરેરાટી

અમદાવાદ :અમદાવાદમાં ગઈ કાલે ઘટેલી દુઃખદ ઘટનામાં જે રાઇડ તૂટી પડી હતી. તેમાં જે બે લોકોના કરૂણ મોત થયા તેમાંની એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી. ગામ લોકોએ મનાલીને ભાવભીની અંતિમ વિદાય આપી હતી.

મનાલી રજવાડીના મૃતદેહને ગઈકાલે પોસ્ટમોર્ટમ કરી આજે એના સગાવ્હાલાને સુપરત કરાયો હતો. તેઓ ગઈકાલે સાંજે 4:00 કલાકે રાજપીપળા નજીક આવેલ તરોપા ગામે આવી પહોંચ્યા હતા. નાનકડા એવા તરોપા ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. મનાલીના મોતથી સમગ્ર ગામ હિબકે ચડયું હતું. મનાલીના માતા પિતા અને સગાસંબંધીઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી અહીં તેને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. ત્યારે ગ્રામજનોના મોઢા ઉપર એક કરુણાનો ભાવ દેખાઈ રહ્યો હતો. તો બીજી તરફ દરેક ગ્રામજનોના મુખ પર એક આક્રોશ હતો કે, નિર્દોષ મનાલીનો શું વાંક હતો. તે તો ફક્ત રજા માણવા અને મોજમસ્તી કરવા માટે તેના ફોઈને ત્યાં અમદાવાદ ગઇ હતી. પરંતુ તેનું અચાનક મૃત્યુ થયું ત્યારે તંત્ર ઉપર પણ તમામ ગ્રામજનોનો ખૂબ આક્રોશ હતો.

મનાલીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી તો મેં ગુમાવી, પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ના ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ. ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો રાઇડની મરામત કરાવવી જોઈએ. પ્રસંગે તેમના એક સંબંધીએ જણાવ્યું કે, અમે ઘટના બની ત્યારથી એલ.જી હોસ્પિટલમાં હતા. ત્યાં સુધી અમને તંત્રે કોઈ પણ જાતનો સહકાર આપ્યો હતો. સરકારે તમામ સહાય મફત લાવવાનું કહ્યું હતું. પરંતુ તેમ છતાં પણ અમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવવામાં આવી હતી અને અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું હતું.

(5:14 pm IST)