Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

આદિવાસી ડાંગ જિલ્લાના ૧૯ વર્ષના જીતકુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે

ડાંગ :આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રહ્યું છે સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ ડાંગનો ડંકો વાગવાનો છે. ડાંગના 19 વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે.

ડાંગ જેવા આદિવાસી વિસ્તારના લોકો એક બાદ એક રમતમાં આગળ આવી રહ્યા છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ વિવિધ દોડ રેસમાં જીતીને ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે દેશના લોકોની પ્રિય ગેમ ક્રિકેટમાં પણ ડાંગ જિલ્લાનું નામ રોશન થવા જઈ રહ્યું છે. ડાંગના અંતરિયાળ જુનૈર ગામનો વતની અને હાલ વઘઈ ખાતે રહેતા જીત ગાંગુરડેને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખીન હતો. જ્યારે તેણે ક્રિકેટ રમવાની ઈચ્છા પોતાના પિતાને વ્યક્ત કરી ત્યારે તેના પિતાએ તેને ના પાડી હતી, પણ બાદમાં તેણે પોતાના શોખ વિશે પોતાના પિતાને સમજાવ્યા હતા. તેના બાદ તે બીલીમોરા ખાતે બરોડા ક્રિકેટ બોર્ડ તરફથી કરાયેલા સિલેક્શનમાં સિલેક્ટ થયો હતો.

શહેરોમાં રહેતા યુવાનો અને બાળકોની ઈચ્છા હોય છે કે તેઓ દેશની સૌથી લોકપ્રિય રમતમાં આગળ આવે અને દેશ માટે રમે. પરંતુ ભાગ્યે કોઈને આવી તક મળતી હોય છે. હવે 19 વર્ષીય જીત કુમાર બેટ્સમેન અને વિકેટ કીપર તરીકે પોતાની રમતને સારી રીતે વિકસાવી રહ્યો છે. જીત ઈન્ડિયન પ્લેયર્સ લીગ માટે સિલેક્ટ થઈ ગયો છે અને ગોવા ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે. જ્યાં દેશના 10 રાજ્યોની ટીમ ટકરાશે. જેમાંથી સારો દેખાવ કરનાર ખેલાડીને નેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવશે.

જીતના પિતા વીજ કંપનીમાં ક્લાર્ક છે, તો માતા આંગણવાડીમાં કામ કરે છે. ત્યારે પોતાનો પુત્ર આગળ વધે અને ભારત તરફથી મેચ રમી ડાંગનું નામ રોશન કરે તેવી તેના પિતાની ઈચ્છા છે. તો જીતને નેશનલ પ્રીમિયર લીગમાં સ્થાન મેળવી રાજસ્થાન તરફથી રમવાનો મોકો મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જીત એક એવા જિલ્લામાં રહે છે કે, ત્યાંનું જીવન ખૂબ સામાન્ય છે. જીતને પ્રેક્ટિસ કરવા માટે મેદાન પણ નથી. ત્યારે જીત નજીકમાં આવેલ શાળાના મેદાનમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે. ત્યાં જીતની માતા પણ તેને જોવા માટે અચૂક જાય છે. તો પોતાના પુત્ર દેશ માટે રમે ટીવીમાં જોવાની એક માતાની ઈચ્છા છે.

જીત હાલ તો આગામી સમય માં ગોવા ખાતે રમાનાર જુનિયર પ્રીમિયર લીગની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. સાથે સાથે તે ભણવામાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે એક આદિવાસી પરિવારનો યુવક આજે નેશનલ ટીમમાં સ્થાન મેળવે એક આદિવાસી સમાજ માટે તેમજ જીતના પરિવાર માટે ગર્વની વાત છે.

(5:13 pm IST)