Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કાંકરિયા રાઇડ દુર્ઘટના : ૬ શખ્સો દિનના રિમાન્ડ ઉપર

બેદરકારી બદલ મોતનો ગુનો દાખલ કરી તપાસ : તમામને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરાયા બાદ ૧૦ દિનના રિમાન્ડની માંગ કરાઈ : ૧૮મી સુધી રિમાન્ડ મંજુર થયા

અમદાવાદ, તા.૧૬ : કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવા મામલે મણિનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત છ લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઇ પટેલના ભાઇ ઘનશ્યામ કાનજી પટેલ(સંચાલક), તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ(સંચાલક), તુષાર મધુકાત ચોકસી(મેનેજર), યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ(રાઈડ ઓપરેટર), કિશન મહંતી(રાઈડ ઓપરેટર) અને મનીષ સતીષ વાઘેલા(હેલ્પર)ની ગઇકાલે ધરપકડ કરી હતી અને આજે તમામને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે તમામ છ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના તા.૧૮મી જૂલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કાંકરિયા રાઇડ દુર્ઘટનાના તમામ છ આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી તેમના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, રાઇડ દુર્ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, ગત તા.૬ જુલાઈના રોજ મેઇન્ટેનસનો રિપોર્ટ આપવા છતાં રાઈડની યોગ્ય જાળવણી નહી કરી, ચકાસણી કર્યા વગર નબળી ગુણવત્તાવાળી રાઈડમાં લોકોને બેસાડતા બનાવ બન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ઘનશ્યામ પટેલ અને તેનો પુત્ર ભાવેશ સંચાલક છે. તુષાર ચોકસી મેનેજર તરીકે ફરજ બજાવે છે. યસ મહેન્દ્ર પટેલ અને કિશન મહંતી રાઈડ ઓપરેટર છે. જ્યારે મનીષ હેલ્પર તરીકે નોકરી કરે છે. એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે ૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાપામાં જાહેરાત આપી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. કાંકરિયા બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ ટુ ચલાવવા કોર્પોરેશને પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૪થી આ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. તા.૬ જુલાઈના રોજ આ પાર્કનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નટ બોલ્ટ સહિત વસ્તુઓ બદલવા જણાવ્યું હતું છતાં તેની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ ડિસ્કવરી રાઇડ તૂટી પડી તેમાં નટબોલ્ટનો કોઇ ફોલ્ટ નહી પરંતુ જે પાઇપ હતી, તે તૂટી ગઇ તેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. આમ આ સમગ્ર મામલામાં આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવાની અને કોની જવાબદારી હતી તે નક્કી કરવાનું છે. આ ગંભીર દુર્ઘટનાના કારણે ૧૨ નિર્દોષ લોકોના મોત નીપજયા છે ત્યારે ઘટનાની ગંભીરતા જોતાં કેસના સત્ય મૂળ સુધી પહોંચવા કોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. કોર્ટે તમામના બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.

(8:12 pm IST)