Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભોગ બનેલા પરિવારને ર૬ લાખ ચુકવવા ટ્રીબ્યુનલનો આદેશઃ ૭૦ ટકા રકમ બેંકમાં મુકાશે

પીકઅપવાન પલ્ટી ખાઇ જવાના કારણે ૩ મોત અને પ ઘાયલ થયાની ચકચારી ઘટના : અમદાવાદના સિનીયર એડવોકેટ હરેન્દ્રભાઇ સેજપાલની અભ્યાસપુર્ણ દલીલ માન્ય

રાજકોટ, તા., ૧૬: ધંધુકા તાબાના રાણપુર તથા અન્ય ગામના કડીયા કામ કરતા આઠ શ્રમીકોને બેસાડીને જતી પીકઅપ વાન પલ્ટી ખાઇ જતા અને પીકઅપ વાનમાં રહેલા મશીન નીચે દબાઇ જવાના કારણે ૩ શ્રમીકોના મૃત્યુ તથા પ ઘાયલ થયાના ચકચારી મામલામાં રૂ.ર૬ લાખ અરજદારોને ચુકવવા ટ્રીબ્યુનલે આદેશ કર્યો છે.

અમદાવાદ જીલ્લા મોટર એકસીડન્ટ  ટ્રીબ્યુનલે આ રકમ અરજીની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા બજાજ એલાયન્સ ઇન્સ્યુરન્સ કંપનીને આદેશ કરવા સાથે આ રકમમાંથી ૭૦ ટકા રકમ બેંકમાં ડીપોઝીટ કરાવી અને તેનું વ્યાજ અરજદારને ચુકવવામાં આવે અને બાકીના ૩૦ ટકા અરજદારોને  આપવા આદેશ કર્યો હતો.

ઉકત શ્રમીકો કડીયા કામ માટે કેદરા ગામમાં મકાનનું ધાબુ ભરવા માટે સેન્ટ્રીંગ કામના બે મોટા મશીનો તથા કડીયા કામના સાધનો સાથે લઇને પીકઅપ વાનમાં જતા હતા. એ સમયે વાનના ડ્રાઇવરની બેદરકારીથી પીકઅપ વાન પલ્ટી ખાઇ ગઇ હતી. પીકઅપ વાનમાં રહેલા મશીનો નીચે દબાઇ જવાના લીધે ૩ મજુરોના મોત તથા પાંચને ઇજા થઇ હતી.

મૃતકના પરીવારો દ્વારા અમદાવાદના  સિનીયર એડવોકેટ હરેન્દ્રભાઇ સેજપાલ મારફતે અલગ-અલગ વળતરની અરજીઓ  વાહન માલીક તથા વિમા કંપનીને કરી હતી. બચાવ પક્ષે કેપેસીટી કરતા વધુ વ્યકિત બેઠેલા હતા તેથી વિમા પોલીસીની શરતનો ભંગ થતો હોવાનું તથા ડ્રાઇવરના લાયસન્સનો પ્રકાર અને શ્રમીકોને પેસેન્જર ગણવા સહીતના મુદાઓ ઉપસ્થિત કરવામાં આવેલ જેની સામે સિનીયર એડવોકેટ હરેન્દ્રભાઇ સેજપાલે પોતાના અભ્યાસપુર્ણ ઉપલી અદાલતના ચુકાદાઓ ટાંકીને ધારદાર રજુઆતો કરેલી. જે અમદાવાદ જીલ્લા મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલે માન્ય રાખી આ હુકમ કર્યો હતો.

(1:28 pm IST)