Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પંચમહાલના જાંબુઘોડા પાસેનો હાથણી માતા ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર

પંચમહાલ :ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.

હાથણી માતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે. હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે. હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિમી. અને વડોદરાથી 80 કિમી દૂર છે.

હાથણી માતાનો ધોધ ખૂબ ઉંચી ખડકાળ ટેકરીઓ વચ્ચે આવેલો છે એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી, ટેકરીની ઉભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઉભા રહીને, ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધ નીચે જે જગ્યાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો અને સુંદર ઝરણાં પથરાયેલા છે. તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ અઘરું છે. આમ છતાં, ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પહોંચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગાએ એક ગુફા છે. તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે.

જોકે ચોમાસાના વરસાદી પાણીમાં ધોધ શરૂ થાય એટલે આ હાથણી આકારનો ખડક તેમાં છુપાઈ જાય છે. એટલે તો આ ધોધ, હાથણી માતાનો ધોધ કહેવાય છે. ઘણા લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય ચઢાવે છે. હાથણી માતાના આ મંદિરમાં જ શીવજીનું લીંગ પણ છે. શીવજીનો અહીં વાસ છે. ધોધ જોવા આવનારા લોકો માતાજીનાં અને શિવજીનાં દર્શન અચૂક કરે છે જ. ચોમાસામાં આ ધોધ શરૂ થતાની સાથે જ દૂર દૂરથી પ્રકૃતિપ્રેમીઓ આ હાથણી માતાના ધોધ નીચે ન્હાવાની મજા માનવા માટે આવતા હોય છે.

પ્રકૃતિને માણવા આવતા પ્રકૃતિપ્રેમીની સાથે સાથે કેટલાક સાહસિક વૃત્તિને સંતોષવા માટે પણ હાથણી માતાના ધોધ અને આસપાસના વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. ત્યારે અહીં લોકોને સેલ્ફીનો જોખમી શોખ પણ કેમેરામાં કેદ થયો. હાથણી માતાનો ધોધ જે ડુંગર ઉપર થી વહે છે, તે આખી પર્વતમાળા સમાન ખૂબ જ ઊંચાઈ ધરાવતી ટેકરી છે. ત્યારે ઊંચાઈએથી પણ નયનરમ્ય દ્રશ્યોને જોવા માટે યુવાનો જોખમ ખેડીને પહોંચતા હોય છે અને ડુંગર પર ચઢી ચેક કિનારા સુધી આવી સેલ્ફી લેતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોમાં આ મોતની સેલ્ફીનો ક્રેઝ જોવા મળ્યો. જે અમે કેમેરામાં કેદ કર્યો ત્યારે આવા મોતની સેલ્ફીમાં જીવ ગુમાવવાના કિસ્સા અહીં ભૂતકાળમાં બની ચૂક્યા છે. છતાં મોટી સંખ્યામાં યુવાનો આ જગ્યાએ મોતની સેલ્ફી લેવા માટે હજુ પણ જઈ રહ્યાં છે. તંત્ર દ્વારા આવા જોખમી સેલ્ફી લેતા યુવાનોને રોકવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. હાથણી માતાના ધોધ પર પ્રવાસનને વિકસાવવા માટે તંત્ર દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવે અને વધુમાં વધુ પ્રવાસીઓ પંચમહાલની મુલાકાતે આવે તો અહીં સારી એવી રોજગારીની તકો પૂરી પાડી શકાય એમ છે.

(4:40 pm IST)