Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બેરોજગારીના જટીલ મુદ્દા પર માઇક્રોલેવલથી ધ્યાનની જરૂર

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું સૂચન કર્યું : અમદાવાદનું નામ બદલવાના સુબ્રમણ્યમના નિવેદનથી ફરી રાજકીય ગરમાવો : યુથ પાર્લામેન્ટનું સમાપન કરાયું

અમદાવાદ, તા.૧૬ : દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને રાજયભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ્ સ્વામી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવા બાબતે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલી અનોખી યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા-૨૦૧૮માં ગઇકાલે કરાયેલા સૂચન અને નિવેદનને લઇ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ડો.સ્વામીએ પોતાના વકતવ્યમાં ગઇકાલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં નરેન્દ્ર મોદીએ અમદાવાદનું નામ કર્ણાવતી શહેર કરવા બાબતે તત્કાલીન વડાપ્રધાનને પત્ર લખ્યો હતો પરંતુ આજે નરેન્દ્ર મોદી પોતે જ વડાપ્રધાન પદ પર છે ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી મહાનગર કરવું જોઇએ. બે દિવસીય યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા-૨૦૧૮નું ગઇકાલે ભવ્ય સમાપન થયું હતું, આ પ્રસંગે ડો.સ્વામીએ દેશમાં રોજગારી અને બેરોજગારીના મુદ્દાને લઇને જણાવ્યું હતું કે, દેશમાં પાંચ ટકા વસ્તી જ બેરોજગાર છે એવું કહી શકાય પરંતુ બાકીના ૯૫ ટકા લોકો દિવસમાં બેથી ચાર કલાક કામ કરે છે અથવા તો ડેઇલી બેઝીઝ પર કામ કરે છે. તેઓની પાસે કાયમી જોબ સીકયોરીટી નથી. વડાપ્રધાન મોદી બેરોજગારીના પ્રશ્નના નિવારણ માટે માઇક્રો લેવલે કામ કરી રહ્યા છે પરંતુ આપણે પણ આ સમસ્યામાં માઇક્રો લેવલથી જોવું પડશે. તેમણે એવી સલાહ પણ આવી હતી કે, દેશની બિઝનેસ સ્કૂલો અને સંસ્થાઓએ વિદ્યાર્થીઓને તેમનું મૂલ્યાંકન કરતા શીખવવુ પડશે અને તેમને કોઇના હાથ નીચે નોકરી કરવાના બદલે પોતાનો ખુદનો બિઝનેસ શરૂ કરવા પ્રોત્સાહિત કરવા પડશે. આજના નવયુવાનોને નવા સંશોધનો અને એન્ટરપ્રિન્યોરશીપનું માળખું શીખવાની તાતી જરૂર છે. એન્ટરપ્રિન્યોરશીપ એ બીજું કંઇ નથી પરંતુ ગણતરીપૂર્વકનું લીધેલું જોખમ, તાર્કિક રીતે વિચારવું અને ત્યારબાદ લેવાતા પગલાં છે. સરકાર પાસેથી અપેક્ષાની વાત પછી આવે છે, સૌથી પહેલા તો, નવા ભારતના યુવાન બનો, નહી કે, બ્રિટીશ શાસકોએ આપણને જે બનાવ્યા છે તે. દરમ્યાન ડો.સત્યનારાયણ સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, દુનિયાભરની સરકારો રોજગારની વાતને લઇ ચર્ચા કરી રહી છે પરંતુ મને ત્યારે ચિંતા થાય છે કે, જયારે અહીં મંદિરો, ધર્મ અને જાતિને લઇ ચર્ચા થતી જોવા મળે છે. તમે જયારે રોજગારની વાત કરો ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં રાજકીય દરમ્યાનગીરી હોય છે. તેમણે યુુવાનોને ઉદ્દેશતાં જણાવ્યું કે, એન્ટરપ્રિન્યોરશીપ, સંશોધનો, ફલેક્સીબલ જોબ્સ અને કલાકો, ગમે ત્યાંથી અને ગમે ત્યારે કામ કરવું એ જ ભવિષ્ય છે અને એ ભવિષ્ય તમે જ નિર્માણ કરી શકો છો. તમારે જીંદગીમાં સતત કામ કરતા રહેવું જોઇએ અને કાર્યરત રહેવું જોઇએ. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડો.સંબિત પાત્રા, પોંડિચેરીના લે.ગવર્નર ડો.કિરણ બેદી, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા, કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોર એવીએસએમ (નિવૃત્ત), કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રધાન શ્રી પુરૂષોત્તમ રૂપાલા, અનુપમ મિશન મોગરીના સંત ભગવાન પરમ પૂજય સાહેબજી સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના વાવોલ-ઉવારસદ રોડ પર કર્ણાવતી યુનિવર્સિટી ખાતે બે દિવસીય  યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા-૨૦૧૮નું શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે અમિત શાહ ઉપરાંત રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઈ પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચનો કર્યા હતા. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-૨૦૧૮ના વિજેતા તરીકે નારાયણ ગુરૂ કોલેજની ઐશ્વર્યા જૈન, નિરમા લો યુનિવર્સિટીના પૃથ્વીરાજસિંહ ઝાલા, એચ.એલ.કોમર્સ કોલેજના કાર્તિકેય ઉપાધ્યાય,અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટના અર્હમ પિન્ચાને બિરદાવાયા હતા.

(9:23 pm IST)