Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વરસાદી કહેર હજુય અકબંધ

મધ્ય ગુજરાતમાં નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર

 અમદાવાદ, તા.૧૬ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છ જેના પરિણામ સ્વરૂપે જનજીવન પણ ખોરવાયું છે. ઓલપાડમાં વરસાદી આફત સમસ્યા સર્જી રહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. ચિત્ર નીચે મુજબ છે.

ઓલપાડમાં વરસાદી આફત

મેઘરાજાએ છેલ્લા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતને વરસાદી કહેરમાં જકડી લીધુ છે. ખાસ કરીને સુરતના ઓલપાડમાં આજે વરસાદી આફત વરસી હતી અને ગણતરીના કલાકોમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, તો, શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ હતી. રોડ-રસ્તાઓ, દુકાનો કે બજારો જયાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું. ઓલપાડમાં અતિ ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતને લઇ ૧૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંત કરાવાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતના અનેક પંથકો અને વિસ્તારોમાં બેથી લઇ આઠ ઇઁચથી વધુ વરસાદ ખાબકયો હતો.  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કામરેજ,ગણદેવી, કપરાડા ઓલપાડ અને વઘઈમાં આઠ ઇઁચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં ૬ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના પારડી, નવસારીના વાંસદા, બારડોલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના અનેક પંથકોમાં પણ ભારે વરસાદ પડયો હતો, જેને લઇ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. નવસારીમાં અતિ ભારે વરસાદ નોંધાતા અહીં પણ જનજીવન ભારે અસર પામ્યું હતું. ખાસ કરીને નવસારીના દરિયાના પાણી નજીકના ગામોમાં ઘૂસ્યા હતા, જેને લઇ લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. નવસારીમાં પણ વરસાદી કહેરને લઇ ૨૭૫થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.

મધ્ય્ ગુજરાતમાં વડોદરા સહિતના પંથકોમાં ભારે વરસાદ

   મધ્ય ગુજરાતમાં વડોદરા, પાદરા, ડભોઇ સહિતના પંથકોમાં પણ મેઘરાજાએ જોરદાર તોફાની ઇઁનીંગ રમી હતી. ગણતરીના કલાકોમાં વડોદરામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં રોડ, રસ્તાઓ, સોસાયટીઓ, દુકાનો સહિત તમામ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર ત્રણ ઇંચ વરસાદમાં વડોદરા પાણીમાં જાણે ગરકાવ બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની હતી. ખાસ કરીને વડોદરાના અકોટા ગામમાં તો બેટ જવી સ્થિતિ સર્જાઇ હતી. બાળકોને બોટમાં બેસાડીને સ્કૂલ સહિતના સ્થળોએથી ખસેડવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે વડોદરાનું જનજીવન પ્રભાવિત થયું હતું. વડોદરા, પાદરા, કરજણ, શિનોર, ડભોઇ, ડેસર સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. પાદરાના રણું અને ભોજ ગામ વચ્ચે બાળકો અને મુસાફરોને લઇ જતી એક બસ પાણીના પ્રવાહમાં ફસાતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

 

(8:31 pm IST)