Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદ શહેર : હવે ગ્રીન કવર ૪.૬૬ ટકા રહી ગયું છે

વિકાસની લ્હાયમાં આડેધડ વૃક્ષો નિકંદન કરાયું : વર્ષ ૨૦૧૨ના સર્વે મુજબ અમદાવાદ શહેરમાં લીમડાના ૧.૪૩ લાખ વૃક્ષો : ચોમાસા દરમ્યાન વૃક્ષ વાવણી ઝુંબેશ

અમદાવાદ, તા.૧૬ : મેગાસિટી અમદાવાદ આશરે ૪૬૬ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. શહેરના ભૌગોલિક વિસ્તારને જોતા ૧પ ટકા જેટલો વિસ્તાર ગ્રીન કવર હેઠળ હોવો જરૂરી છે પરંતુ બહુ ચોંકાવનારી અને આઘાતજનક હકીકત તો એ છે કે, શહેરમાં માત્ર ૪.૬૬ ટકા ગ્રીન કવર રહ્યું છે. તંત્ર દ્વારા આગામી ચોમાસામાં નવાં ૧.પ૦ લાખ વૃક્ષ વાવવાની ક્વાયત આરંભાઇ હોઇ વર્ષ ર૦૧રના સર્વે મુજબ અમદાવાદમાં લીમડાનાં સૌથી વધુ ૧.૪૩ લાખ વૃક્ષ નોંધાયાં હતા. ચાલુ ચોમાસામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દોઢ લાખથી વધુ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે. જો કે, શહેરના ગ્રીન કવરને વધારવા માટે અમ્યુકો સહિત રાજય સરકારના સત્તાવાળાઓએ અસરકારક પગલા લેવા પડશે તેવું પર્યાવરણવાદીઓનું માનવું છે. વિકાસની લ્હાય અને સિમેન્ટ-ક્રોંકીટના જંગલો ઉભા કરવાની હોડમાં અમદાવાદ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકાળાઇ રહ્યું છે. વૃક્ષ એ જ જીવનની માત્ર વાતો થાય છે પરંતુ વાસ્તવમાં માનવીનું જીવન લીલુછમ્મ બનાવતાં વૃક્ષોનો જ ભોગ લેવાઇ રહ્યો છે. વર્ષ ર૦૧રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ટ્રી-સેન્સસ સર્વે કરાયો હતો. આ સર્વે મુજબ શહેરમાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ નોંધાયાં હતાં. શહેરના વિવિધ વિસ્તારમાં લીમડો, આસોપાલવ, કણજી, પીપળો, વડ, ચંપો, ગુલમોર, દેશી આંબો, બદામ, નીલગીરી, બોરસલી એમ ૩૦થી વધુ જાતનાં વૃક્ષ જોવા મળે છે. આ તમામ વૃક્ષમાં લીમડાના વૃક્ષો સૌથી વધુ એટલે કે, ૧.૪૩ લાખ નોંધાયા હતા. લીમડા બાદ શહેરમાં આસોપાલવનાં ૭૦,પપ૦ વૃક્ષ, કણજીનાં ૪૧,પ૯૦ વૃક્ષ, ગુલમોરનાં ૪૦,૦૬૪ વૃક્ષ, દેશી બાવળના ૩૯,પ૪૦ વૃક્ષ, પીપળાનાં ર૦,૧૭૭ વૃક્ષ, પેલ્ટોફોરમનાં ૧૮,૯૮પ વૃક્ષ, પીપળનાં ૧૩,૧૮૩ વૃક્ષ, સુબાવળનાં ૧૪,૮૮ર વૃક્ષ, ગરમાળોનાં ૧૬,૭૦૧ વૃક્ષ, વડના ૯,૮૭૦ વૃક્ષ કરંજનાં ૩,૧૪૦ વૃક્ષ, નીલગીરીનાં ૪,પ૪પ વૃક્ષ, અરડૂસીનાં ૪,૭૮૬ વૃક્ષ, બદામનાં ૬,૮૧૪ વૃક્ષ, સરગવાનાં ૬,ર૭ર વૃક્ષ, જાંબુનાં ર,૪૧૪ વૃક્ષ, સપ્તપર્ણીનાં ૪,૬૦૧ વૃક્ષ, ગાંડા બાવળનાં ૭,પર૬ વૃક્ષ અને અન્ય ૯ર,પ૪૦ વૃક્ષ તંત્રના ચોપડે નોંધાયાં હતાં. ઝોનવાઇઝ વૃક્ષની સંખ્યાની વિગત તપાસતાં મધ્યઝોનમાં ર૩,પ૧૮ વૃક્ષ, પૂર્વ ઝોનમાં ૭પ,૪૯૭ વૃક્ષ, પશ્ચિમ ઝોનમાં ૮૪,૪૩પ વૃક્ષ, ઉત્તર ઝોનમાં ૬૦,૬૭૭ વૃક્ષ, દક્ષિણ ઝોનમાં ૮૯,૮૬૩ વૃક્ષ, નવા પશ્ચિમ ઝોનમાં ૮૪,૧૮૯ વૃક્ષ નોંધાયાં હતાં. શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં લીમડાના સૌથી વધુ ૧૮,પ૬ર વૃક્ષ, આસોપાલવનાં ૧૬,૦ર૦ વૃક્ષ, કણજીના ૬,૬ર૭ વૃક્ષ અને ગુલમોરનાં ૪,૭૧૯ વૃક્ષ અને વડનાં ૧૭૧પ વૃક્ષ હતાં. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં લીમડાનાં ૧૩,૦ર૬ વૃક્ષ, દેશી બાવળનાં ૭,૪૮૮ વૃક્ષ, આસોપાલવનાં ૭,૩૩૮ વૃક્ષ અને વડનાં ૬૯૧ વૃક્ષ તંત્રના ચોપડે આવ્યાં હતાં. નિષ્ણાતોના મતે, વૈશ્વિક માપદંડ પ્રમાણે કોઇપણ શહેરમાં સરેરાશ ૧ર ટકા ગ્રીન કવર હોવું જોઇએ પરંતુ અમદાવાદમાં સતત સિમેન્ટ ક્રોકિંટના જંગલ સર્જાતાં હોઇ વૈશ્વિક માપદંડથી અડધું પણ ગ્રીન કવર નથી. બીજી તરફ મેટ્રો રેલ સહિતના વિભિન્ન પ્રોજેકટ હેઠળ છેલ્લાં છ વર્ષમાં ૮થી ૯ હજાર ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કઢાયું છે. તંત્ર દ્વારા આ સમયગાળામાં દર વર્ષે ૧ લાખ જેટલાં સરેરાશ વૃક્ષ વાવવામાં આવ્યાં હોવા છતાં આજે વૃક્ષની કુલ સંખ્યા ૭.પ૦ લાખ સુધી પણ પહોંચતી નથી જેની પાછળનું મુખ્ય કારણ એકવાર વૃક્ષરોપણ કરાયા બાદ જે તે રોપાની માવજત પ્રત્યે સેવાતુંદુર્લક્ષ છે.પર્યાવરણવાદીઓએ સત્તાવાળાઓના વૃક્ષ નિકંદનની નીતિ પરત્વે ઉગ્ર આક્રોશ વ્યકત કરી શહેરનું ગ્રીન કવર વધારવા માંગણી કરી હતી.

(7:03 pm IST)