Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદી લોકોને કાલથી રાસ્કાનું પાણી ઉપલબ્ધ થશે

શેઢી કેનાલનું રિપેરીંગનું કામ આખરે પૂર્ણ : બોરના પાણીમાંથી મુકિત મળશે : રાસ્કાથી ૭૦થી ૮૦ એમએલડી પાણી પુરવઠો અમદાવાદ શહેરને પ્રાપ્ય બનશે

અમદાવાદ,તા. ૧૬ : રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા શહેરીજનોને દરરોજ ૨૦૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરું પાડતી રાસ્કા આધારિત શેઢી કેનાલનું ગત તા. ૧૫ માર્ચથી હાથ ધરાયેલું રિપેરિંગ કામ આખરે છેલ્લા કેટલાક મહિનાઓની ભારે જહેમત અને કામગીરી બાદ પૂર્ણ થયું છે. એટલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ આવતીકાલથી શેઢી કેનાલમાંથી મહી નદીનું પાણી લઈ શકશે. ત્રણ-ચાર દિવસમાં તંત્ર રાસ્કા કેનાલમાંથી રાબેતા મુજબનો ૨૦૦ એમએલડીનો પાણીનો પુરવઠો મેળવી શકશે. આવતીકાલથી અમદાવાદને હવે રાસ્કાનું પાણી મળતું થઇ જશે, જેને લઇને નગરજનોને બોરના પાણીમાંથી મુકિત મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી ઈજનેર જગદીશ પટેલેે રાસ્કા આધારિત પાણીના પુરવઠા અંગે જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગ દ્વારા તંત્રને શેઢી કેનાલનું રિપેરિંગ કામ આટોપી લેવાયું હોવાની માહિતી અપાઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતુ શેઢી કેનાલનું કામ આખરે પૂર્ણ થતાં હવે સિંચાઈ વિભાગ તરફથી આવતીકાલથી અમદાવાદ શહેરને અગાઉની જેમ રાસ્કામાંથી ૭૦થી ૮૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. જો કે, ત્રણ ચાર દિવસમાં તંત્ર અગાઉની જેમ દૈનિક ૨૦૦ એમએલડી પાણી મેળવતું થઈ જશે. દરમિયાન કોતરપુર વોટર વર્કસમાંથી મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનમાં પાણી પૂરું પાડતી વેસ્ટર્ન ટ્રન્ક મેઈનમાં શ્રેયસ બ્રિજ નીચે મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પીલરને નડતરરૂપ પાણીની પાઈપલાઈનને શિફ્ટ કરવાની કામગીરી આવતીકાલે હાથ ધરાશે. જેના કારણે નવરંગપુરા અને વાસણા વોર્ડમાં આવતી કાલે સાંજનો અને બુધવારનો સવારનો પાણી પુરવઠો ખોરવાશે. જે અંગે સ્થાનિક નાગરિકોને તાકીદ કરાઇ છે.

(7:03 pm IST)