Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગાંધીનગરમાં હત્યાના ગુનાહમાં સજા કાપતા બે આરોપી ફરાર થઇ જતા ચકચાર

ગાંધીનગર: શહેરમાં ચકચારી બે હત્યા પ્રકરણના આરોપીઓ સાબરમતી જેલમાં સજા કાપી રહયા હતા ત્યારે પેરોલ રજા મેળવ્યા બાદ ફરાર થઈ જતાં ચકચાર મચી છે. આમીન બાદશાહ મનસુરી અને પ્રકાશ ચીનો અલગ અલગ હત્યા પ્રકરણમાં જેલમાં હતા. હાલ પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અગાઉ નવીન શાહ હત્યા પ્રકરણમાં પણ એક આરોપી પેરોલ જમ્પ કરીને નાસી છુટયો હતો.

વિવિધ ગંભીર ગુનાઓ પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવતાં હોય છે અને ત્યારબાદ તેમને જેલમાં પણ મોકલી આપવામાં આવતાં હોય છે. પરંતુ પેરોલ ઉપર રહેલા આરોપીઓ ચકમો આપીને ફરાર થઈ જવાના કિસ્સા વધી રહયા છે. ત્યારે થોડા સમય પહેલા જ નવીન શાહ હત્યા પ્રકરણમાં જેલમાં મોકલી અપાયેલ મૌનિક પટેલ પેરોલ જમ્પ કરીને નાસી છુટયો હતો જેને શોધવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગરના ચકચારી એવા સે-૬ના માતા-પુત્રી હત્યા કાંડમાં મુખ્ય આરોપી આમીન બાદશાહ મનસુરી પણ સાબરમતી જેલમાં હતો અને પેરોલ રજા મેળવ્યા બાદ તે ફરાર થઈ ગયો છે.

આમીન મનસુરી તેના ઘરે પહોંચ્યો હતો અને માતાને પણ ધમકી આપી પત્નિ અને બાળકોને લઈ નાસી છુટયો છે. આ આરોપી અગાઉ કોર્ટમાંથી પણ ભાગી છુટયો હતો અને બે વર્ષ બાદ પોલીસે તેને ઝડપ્યો હતો તો શહેરના સે-૧૭માં રહેતા યુવાનની નવરાત્રીમાં હત્યા કરનાર આરોપી પ્રકાશ ચીનો પણ આ હત્યા કેસમાં સાબરમતી જેલમાં સજા કાપી રહયો હતો અને પેરોલ ઉપર છુટયા બાદ ફરાર થઈ ગયો છે.

(6:13 pm IST)