Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

નડિયાદમાં તંત્રના અભાવે મોટી નહેર ફરતે દુર્ઘટનાની શક્યતા વધી

નડિયાદ:કોલેજ રોડ પાસેની નહેર ફરતે સંરક્ષણનો અભાવ મોટી દુર્ઘટના સર્જશે. જાનહાનિ બાદ જ જાગવાની તંત્રની આદત નાગરિકોને મુશ્કેલીમાં મુકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ વિસ્તારમાં કોલેજો આવેલી હોવાના કારણે વિદ્યાર્થીઓ ટહેલવા માટે અહીં જતાં હોય છે. તેમજ આસપાસમાં રહેણાંક વિસ્તાર અને ગામડાંઓ આવેલા હોવાથી હજારો નાગરિકો પસાર થાય છે.
થોડા વર્ષ અગાઉ નડિયાદ સંતરામ ગરનાળા પાસે બનેલી ઘટનામાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનું ફરીથી પુનરાવર્તન થાય તો નવાઈ પમાડવા જેવું નથી. આ વખતે સ્થળ સંતરામ ગરનાળુ નહી પરંતુ કોલેજ રોડ પાસે આવેલી મોટી નહેર હોઈ શકે છે. વરસાદી માહોલમાં પુરઝડપે પસાર થતો પાણીનો પ્રવાહ અંદર ડૂબનારને જીવ બક્ષે તેમ નથી. મોટી નહેરની ફરતે કોઈ પણ જાતનું સંરક્ષણ આપવામાં આવ્યું નથી. તેમાંય વળી જે સ્થળે પુર ઝડપે ધોધ વહે છે તે ભાગમાંજ કોઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી. જેના કારણે અહીં મઝા માણવા આવતા કોલેજીયન યુવક-યુવતીઓ તેમજ પોતાનાં ગામે જવા માટે પસાર થતાં નાગરિકો સાથે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

(6:06 pm IST)