Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડોદરાથી અમદાવાદ બસમાં લઇ જવાતો દારૂના જથ્થા સાથે બે ઈસમની અટકાયત

વડોદરા:ટ્રાવેર્લ્સની લક્ઝરી બસમાં દારૃ અને બીયરની હેરાફેરી કરતા બે સગીર સહિત ચાર વ્યક્તિને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી તાલુકા પોલીસે ઝડપી પાડી રૂ..૮.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરાથી અમદાવાદ જતા દર્શન ટ્રાવેર્લ્સ તેમજ શંભુ લખેલ લક્ઝરી બસમાં કેટલીક વ્યક્તિઓ  કોથળામાં દારૃ ભરીને લઇને આવે છે તેવી બાતમી તાલુકા પોલીસને મળતા પોલીસ સ્ટાફના માણસોએ આજે સવારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લક્ઝરી બસ આવતા પોલીસે રોકીને તપાસ હાથ ધરી હતી. લક્ઝરી બસમાંથી એક કોથળો લઇને ઉતરતા બે સગીર વ્યક્તિને રોકી તેમની પાસેનો થેલો તપાસતા દારૃની બોટલો જણાઇ હતી.

પોલીસે બસની ડેકીમાં પણ તપાસ કરતા વધુ છ થેલા દારૃ અને બીયર ભરેલા મળ્યા  હતાં. પોલીસે ૯૧૮ વ્હીસ્કીના ક્વાર્ટર, પાઉચ તેમજ બીયરના ટીન અને પાંચ મોબાઇલ કબજે કરી  રાજસ્થાનના કુંભલગઢ તાલુકાના મોરથા ગામે રહેતા લક્ઝરી બસના ડ્રાયવર અને ક્લિનર દિનેશ દેવકિશન સુથાર,ભૈરવસિંહ રાજુસિંહ પરમારની ધરપકડ કરી છે. પોલીસે દારૃ-બીયરનો જથ્થો ક્યાંથી લાવ્યા તેમજ ક્યાં લઇ જવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)