Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ ભારે વરસાદના કારણે બે કાંઠેઃ વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીને વટાવીને વહી રહી છેઃ નદી કાંઠાના લોકોને ચેતવણી

વલસાડઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ કહેર મચાવતા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં નદી-નાળા અને ડેમ છલકાઇ ગયા છે અને અનેક નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે ત્‍યારે લોકોને આવી નદીઓ આસપાસ અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. તો આજે સોમવારે વલસાડમાંથી પસાર થતી ઔરંગ નદીએ ભયજનક સપાટી વટાવી હોવાની માહિતી મળી રહી છે. ઔરંગા નદીની આવી સ્થિતિના પગલે વલસાડના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભારાય છે. જેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. સાથે સાથે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

વલસાડ જિલ્લામં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતી પાણીની ભારે આવકના કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઔરંગા નદી 4 મીટરની ભયજનક સપાટી વટાવી છે. અત્યારે નદી 5.18 મીટરની સપાટી ઉપર વહી રહી છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે અને નદી કાંઠાના ગામો અને વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરાયા છે.

ઔરંગા દનીમાં પૂર જેવી પરિસ્થિતિના પગલે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મળતી માહિતી પ્રમાણે કશઅમીરાનગર, હુનાન ભાગડા, કૈલાસ રોડ સહિતાના વિસ્તારો પાણી ભરાયા છે. જોકે, અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. સાથે સાથે એનડીઆરએફના જવાનોએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

ઉપરવાસમાં વરસાદ પડવાથી વલસાડમાં આવેલા મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. ડેમમાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાં પાણીની સપાટી 72.60 મીટર પહોંચી છે. જેના પગલે સાવચેતીના ભાગરૂપે ડેમના 8 દરવાજા 3.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આમ ડેમમાંથી 95,445 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સાથે સાથે દમણગંગા નદી કિનારાના ગામો પણ એલર્ટ કરાયા છે.

(5:57 pm IST)