Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વાલોડના બેડકુવામાં ઘરમાં લાગેલ આગે બાજુના મકાનને પણ ઝપેટમાં લીધું

વાલોડ: તાલુકાના બેડકુવા ગામે એક ઘરમાં અચાનક આગ લાગતા બાજુના ઘરને પણ લપેટમાં લીધું હતું. જેથી બંને મકાન બળીને ખાખ થઇ ગયા હતા.

બેડકુવા ગામે બંગલી ફળિયામાં પુનીયાભાઇ હોલીયાભાઇ કોટવાડીયા અને માનસીંગભાઇ પુનીયાભાઇ હોલીયાભાઇ કોટવાડીયાના ઘર બાજુ બાજુમાં આવેલા છે. બંને પરિવાર છુટક મજૂરી કામ કરે છે. રવિવારે બપોરના સમયે પુનીયાભાઇના ઘરમાં અચાનક અકસ્માતે આગ લાગી ગઇ હતી. આગ ઝડપભેર પ્રસરી બંને ઘરને લપેટમાં લઇ લીધા હતા.

ગામના લોકોએ દોડી જઇ આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. આગ અંગે માંડવી ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

આગ પર કાબુ મેળવ્યો પરંતુ બંને ઘરનો તમામ સામાન તથા ઘરવખરી અને પશુ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ગામના તલાટી કમ મંત્રીએ જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને પરિવારને આર્થિક નુકસાન થયું છે.

(5:55 pm IST)