Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

'હેલ્ધી ગુજરાત'ની નેમ સાથે ૯ માસથી ૧પ વર્ષની વયના દોઢ કરોડ બાળકોને રસીકરણ કરાશેઃ વિજયભાઇ રૂપાણી

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભઃઅભિયાનને સફળ બનાવવા સૌ નાગરિકો-માતા-પિતા સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ-શાળાઓને મુખ્યમંત્રીનો અનુરોધ

ગાંધીનગર, તા.૧૬: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો રાજયવ્યાપીનો પ્રારંભ કરાવતા રાજયના સૌ નાગરિકો માતા-પિતા અને શાળાઓ તેમજ સ્વૈચ્છીક સેવા સંસ્થાઓને આ અભિયાનમાં સક્રિયતા દાખવી રાજયનું ૯ માસ થી ૧પ વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રસીકરણથી વંચીત ન રહે તેવો અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે હેલ્ધી ગુજરાતની નેમ સાકાર કરવા આ ઓરી રૂબેલા રસીકરણ તહેત રાજયના અંદાજે ૧.પ કરોડ બાળકોને આવરી લેવા આ અભિયાન ઉપાડયું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ ગાંધીનગરમાં સેકટર-૭ ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો.

શ્રી વિજયભાઇએ ઉમેર્યું કે ઓરીનો ભોગ રાજયનું કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાપણ વાળું સંતાન ન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧ મેં ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે.

હવે એને ઝૂંબેશ સ્વરૂપે રાજયની તમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુકત ગુજરાત માટે સંકલ્પબધ્ધ છે.

આ અભિયાન પ્રારંભ અવસરે આરોગ્ય રાજય મંત્રી કુમાર કાનાણી, મેયર પ્રવીણ પટેલ આરોગ્યના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમાર આરોગ્ય કમિશનર ડાઙ્ખ. જયંતિ રવિ અને યુનિસેફના ગુજરાત પ્રતિનિધિ ફારૂખ સહિત અધિકારીઓ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૨૩.૧૪)

(4:18 pm IST)