Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જીતલ કંસારાનો સીઆઈડી સમક્ષ ઘટસ્‍ફોટઃ હા, હું ડ્રગ્‍સનો કારોબાર આબુ રોડમાં ચલાવતો'તો

ગુજરાતના ૧૪ યુવાનોવાળી ઉદયપુરની રાજ્‍યભરમાં ચકચારી રેવ પાર્ટીમાં થયેલ કૌશલની હત્‍યાના શકમંદ આરોપીનો મધરાત્રે ધડાકો : અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ આરોપીની પૂછપરછમાં સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ડીવાયએસપી એસ.એસ. રઘુવંશી તથા નાર્કોટીક્‍સ કંટ્રોલ બ્‍યુરોના સિનીયર અધિકારી રાકેશ દાતણિયા વગેરેને સફળતાઃ સીઆઈડીએ ઈન્‍ટરપોલ સીબીઆઈ વિગેરેની મદદથી આરોપીને અમેરિકાથી અમદાવાદ આવવુ પડે તેવી પરિસ્‍થિતિ સર્જેલઃ પડદા પાછળની રસપ્રદ કથા

રાજકોટ, તા. ૧૬ :  સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર રાજસ્‍થાનના ઉદયપુરના લાભ પેલેસ રીસોર્ટમાં યોજાયેલી રેવ પાર્ટી (ડ્રીન્‍ક અને ડાન્‍સ) પાર્ટીમાં ગયેલા અમદાવાદના ૧૪ યુવા મિત્રો પૈકીના કૌશલ પંચાલના મૃત્‍યુ બાદ તે મોત કુદરતી નહિ ઝેર આપીને થયાની રાજસ્‍થાન પોલીસની તપાસ તથા એફએસએલ રીપોર્ટ આધારે નોંધાયેલ ખૂનના ગુન્‍હાની ફરીયાદ પ્રથમ રાણીપ પોલીસ તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કર્યા બાદ સફળતા ન મળતા હાઈકોર્ટના આદેશથી રાજ્‍યના સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં શકમંદ આરોપીને અમેરિકાથી પરત લાવી એને ઝડપી લેવામાં સફળતા સાંપડી છે.

મૃતક કૌશલ રમણભાઈ પંચાલ (રાણીપ-અમદાવાદ) તથા તેમના મિત્રો જીતલ કંસારા, ભાવિન પટેલ અને અન્‍ય ૧૪ જેટલા યુવા મિત્રો ૨૦૧૩ના માર્ચ માસની ૧૬ તારીખે અમદાવાદથી ઉદયપુરના લાભગઢ પેલેસ રીસોર્ટ ખાતે ડ્રીન્‍ક-ડાન્‍સ પાર્ટીમાં ગયેલા. બીજે દિવસે કૌશલને છાતીમાં દુઃખાવો થવા સાથે વોમીટ તથા રાજસ્‍થાનના ઉદયપુરની સીવીલ હોસ્‍પીટલે લઈ જવાતા ડોકટરે કૌશલને મૃત્‍યુ પામેલ જાહેર કરેલ. ઉદયપુરની સુખેર પોલીસે તેનો વિસેરા એફએસએલમાં મોકલતા તેમા ઝેર હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

રાજસ્‍થાન પોલીસે તા. ૧-૧-૨૦૧૪ના રોજ ફરીયાદ ટ્રાન્‍સફર કરતા અમદાવાદ-રાણીપ પોલીસ સ્‍ટેશનમાં ખૂનનો ગુન્‍હો દાખલ થયેલ. શરૂઆતમાં રાણીપ પોલીસ ત્‍યાર બાદ અમદાવાદ પોલીસ અને છેવટે હાઈકોર્ટના આદેશથી રાજ્‍યના સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરેલ. પાર્ટીમાં હાજર તમામના નિવેદનો, ઉદયપુર રીસોર્ટની સંપૂર્ણ તપાસ, કૌશલના પેટમાં એન્‍ડોસલફાન તથા ફોસ્‍કોટોકસ નામના ઓર્ગેનો ફોસ્‍ફરસ પ્રકારનું ઝેર કઈ રીતે આવ્‍યું ? તે બાબતે રાજસ્‍થાન ડોકટરો અને એફએસએલ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવ્‍યા બાદ પ્રાથમિક તપાસના અંતે શંકાના પરીઘમાં આવેલ ભાવિન તથા જીતેનનો એસડીએસ ટેસ્‍ટ બાદ લાઈડીટેકશન ટેસ્‍ટ કર્યા બાદ હવે આરોપી જીતલ કંસારાનો નાર્કોટીકસ ટેસ્‍ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે યાદ રહે કે આરોપી જૂન ૨૦૧૫થી પત્‍નિ તથા પુત્રને લઈને અમેરિકાના પેન્‍સિલવેલીયા નાસી ગયેલ અને ત્‍યાર બાદ ફલોરીડા શીફટ થયેલ. વિઝાની મુદત પુરી થવા છતા ફલોરીડામાં ગેરકાયદેસર રહેતા હોવાની સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાને મળેલી ગુપ્‍ત માહિતી અન્‍વયે ૨૦૧૬માં સીઆઈડી દ્વારા લુકઆઉટ સરકયુલરની સાથોસાથ આરોપીને અમેરિકાથી પરત લાવી તપાસવા માટે ઈન્‍ટરપોલ સીબીઆઈ નવી દિલ્‍હી મારફતે અમેરિકા ડીપ્‍લોમેટીક ચેનલોનો ઉપયોગ કરવામાં આવેલ. દરમિયાન આરોપી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઝડપાઈ ગયેલ.

આરોપીની મધરાત્રે સીઆઈડીના ડીવાયએસપી એસ.એસ. રઘુવંશી તથા એનસીબી ગુજરાત ઝોનના સિનીયર ઈન્‍ટેલિજન્‍ટ ઓફિસર રાકેશભાઈ દાતણીયા દ્વારા પૂછપરછમાં આરોપી જીતુ કંસારાએ આબુ રોડની ફેકટરીમાં પ્રતિબંધીત મેફેડ્રોન હાઈડ્રોકલોરાઈડ બનાવવામાં આવતો હોવાની કબુલાત આપવા સાથે નશાના કાળા કારોબારમાં ડ્રગ્‍સ તરીકે સપ્‍લાય કરતો હોવાની કબુલાત આપતા ડીઆરઆઈ જોધપુરના ગજેન્‍દ્રસિંહ શેખાવતને આરોપી જીતલ કંસારાને સોંપી દેવામાં આવ્‍યો છે.

 

(12:28 pm IST)