Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

એ ખખડધજ એક જ હોલમાં ૧ થી ૭ ધોરણના બાળકો ઘેટા-બકરા માફક બેસાડાતા ત્‍યાં આલીશાન ઈમારત બની

આઈપીએસ અધિકારી જી.એસ. મલ્લિકની એક મુલાકાતે ગરીબ બાળકોના ભાગ્‍ય ખુલી ગયા : કલેકટર, ડીડીઓ અને હસમુખ અઢીયા સુધી આ અધિકારીએ રજૂઆતનો દોર ચલાવેલઃ વડોદરાની ઘટના

રાજકોટ, તા. ૧૬ :  ગુજરાત સરકાર દ્વારા વાલીઓને બાળકો કે જેઓ ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબ પરિવારોમાંથી આવે છે તેવા પરિવારો દ્વારા બાળકોની શિક્ષણ પ્રત્‍યેની અભિરૂચી વધે અને શિક્ષણનું મહત્‍વ સમજી બાળકોને અધવચ્‍ચેથી શિક્ષણ ન છોડાવી દયે તેવા હેતુથી રાજ્‍ય સરકાર દ્વારા લાંબા સમયથી ચાલતા શાળા પ્રવેશોત્‍સવ, ગુણોત્‍સવ, કન્‍યા કેળવણી કાર્યક્રમોમાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓને સામેલ કરવાની નીતિરીતિથી મોટાભાગના અધિકારીઓ નાછૂટકે ફરજ બજાવે છે. ઘણા તો અસંતોષના કારણે ફોટા પડાવી સંતોષ માની નિકળી જાય છે.

બીજી તરફ આઈપીએસ અને આઈએએસ કક્ષાએ કેટલાક સંનિષ્‍ઠ અને સમાજ પ્રત્‍યે પોતાની નૈતિક ફરજ સમજવા સાથે દિનદુખીયા લોકો માટે જેના હૃદયમાં છલોછલ લાગણી ભરેલી છે, ગરીબી શું છે? ગરીબ પરિવારોની હાલત કેવી હોય છે ? તેવુ સારી રીતે સમજતા સંનિષ્‍ઠ અધિકારીઓ શાળાઓની મુલાકાત લ્‍યે ત્‍યારે ગરીબ બાળકો અને પરિવારોનું ભાગ્‍ય કઈ રીતે ખુલી જતુ હોય છે? તેનુ રસપ્રદ દ્રષ્‍ટાંત બહાર આવ્‍યુ છે.

આપણે જે શાળાની વાત કરીએ છીએ તે વડોદરાની મહાનગરપાલિકા સંચાલીત કવિ દયારામ સ્‍કૂલની આ વાત છે. ૨૦૧૦ના અરસામાં કન્‍યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત વડોદરાના જે તે સમયના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર જી.એસ. મલ્લિક કે જેઓ હાલમાં સુરતના રેન્‍જ વડા તરીકે એડીશ્‍નલ ડીજીપી કક્ષાએ ફરજ બજાવે છે તેઓને જવાનુ થયું. તેઓએ એ સ્‍કૂલની મુલાકાત લીધી ત્‍યારે તેઓ અચંબો પામી ગયા. સામાન્‍ય સ્‍થિતિના ગરીબ પરિવારના બાળકો માટેની એ સ્‍કૂલમાં ૧ થી ૭ ધોરણ એક જ હોલમાં બેસાડી ભણાવાતા હતા. સ્‍કૂલની હાલત ખંઢેર જેવી હતી. બાથરૂમ માત્ર નામ પુરતા હતા. શાળા હકડેઠઠ બે શીફટમાં ઘેટા-બકરા પુર્યા હોય તે રીતે ચલાવાતી હતી.

જી.એસ. મલ્લિકે શાળાના એ સમયના પ્રિન્‍સીપાલ અબ્‍દુલ કડીવાલ તથા અન્‍ય વાલીઓનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, અમે ઘણા પ્રયાસો કર્યા પણ કંઈ ફેર પડતો નથી. આટલુ સાંભળ્‍યા બાદ ભારે દુઃખી હૃદયે શાળા છોડી જી.એસ. મલ્લિકે સૌ પ્રથમ કામ એ કર્યુ કે, તેઓએ તે વખતના રાજ્‍યના શિક્ષણ સચિવ અને હાલ કેન્‍દ્રમાં વડાપ્રધાનની ગુડસ બુકમાં રહેલા રેવન્‍યુ સેક્રેટરી હસમુખ અઢીયાને પત્ર પાઠવી આખી બાબતનો ચિતાર આપ્‍યો.

જી.એસ. મલ્લિકે અહીંથી અટકવાને બદલે મ્‍યુનિસિપલ કમિશ્નર, કલેકટર, ડીડીઓ અને આર.પી. ગુપ્‍તા વિગેરેને પત્ર લખ્‍યા અને અંગત રીતે પણ રસ લીધો. આમ તેમના પ્રયાસો ફળ્‍યા અને એ ખખડધજ એક જ ભંગાર હોલવાળી શાળાના બદલે આધુનિક ઈમારત બની ગઈ અને તેમા લેટ્રીન, બાથરૂમ જેવી સુંદર વ્‍યવસ્‍થા પણ થઈ. આજે પણ એ સ્‍કૂલનો સ્‍ટાફ વાલીઓ અને બાળકો જી.એસ. મલ્લિકને ગૌરવપૂર્વક યાદ કરે છે. જ્‍યારે તેઓને જાણ થઈ કે જી.એસ. મલ્લિક દિલ્‍હી ડેપ્‍યુટેશન પર જાય છે ત્‍યારે મનોમન પ્રાર્થના કરી કે ‘હે ઈશ્વર આવા અધિકારીઓની ગુજરાતને જરૂર છે, તેમને ગુજરાતમાં જ રાખો...

(12:28 pm IST)