Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખાનગી ટ્રાવેલ્સ સામે બાથ ભીડવા સરકાર ૨૦૦ વોલ્વો બસ ભાડે રાખશે

ટેન્ડર ખૂલી ગયા : ભાડુ અને સુવિધા ખાનગી બસની જેમ રાખવાના પ્રયત્ન : ડ્રાઇવર - કંડકટર એસ.ટી. નિગમના : દિવાળી પહેલા બસ રોડ પર દોડવા લાગશે

રાજકોટ તા. ૧૬ : ગુજરાત સરકારે ખાનગી ટ્રાવેલ્સ સાથેની સ્પર્ધા વધારવા માટે વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના માધ્યમથી ૨૦૦ વોલ્વો બસ ભાડે રાખી લાંબા અંતરના રૂટ પર દોડતી કરવાનું આયોજન કરેલ છે. તે માટેના ટેન્ડર આમંત્રિત કરવામાં આવેલ. ટેન્ડર ખૂલી ગયા છે. દિવાળી પહેલા ભાડાની વોલ્વો બસ માર્ગો પર દોડતી કરી દેવા સરકાર પ્રયત્નશીલ છે.

સરકારે ખાનગી ટ્રાવેલ્સની મુસાફરી તરફના લોકોના આકર્ષણનો અભ્યાસ કર્યો છે. ભાડુ, સુવિધા અને સમયપાલનની બાબતે સરકાર ખાનગી ટ્રાવેલ્સની બરોબરી કરવા માંગે છે. ભાડાની બસોમાં ડ્રાઇવર - કંડકટર એસ.ટી.ના રહેશે. તમામ બસ પર એસ.ટી.ના બોર્ડ લાગશે. બસ ભાડે આપનાર એજન્સીને સરકાર કિલોમીટર દિઠ રૂપિયા ૨૦ થી ૨૫ ભાડુ ચૂકવે તેવી શકયતા છે.

મોટા પ્રમાણમાં વોલ્વો બસ ભાડે રાખવાનું પગલુ હાલ પ્રાયોગિક છે. તેને સારો પ્રતિસાદ મળે તો ભવિષ્યમાં એસ.ટી. નિગમ પોતાની માલિકીની વોલ્વો બસ વસાવવાનું વિચારશે. હાલ ૨૦ થી ૨૫ વોલ્વો બસ એસ.ટી.એ ભાડે રાખી છે. હવે ૨૦૦ વોલ્વો બસ હરીફાઇમાં ઉતારવા માંગે છે. જ્યાં ખાનગી ટ્રાવેલ્સને વધુ મુસાફરો મળી રહે છે તેવા રૂટ પર એસ.ટી. નિગમ ભાડાની વોલ્વો બસ દોડાવવાની બાબતને અગ્રતા આપશે.(૨૧.૧૭)

 

(12:01 pm IST)