Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત નજીક પણ IT પોર્ટલની ધીમી ગતિથી હાલાકી

૩૧મી જુલાઇ સુધીમાં ટેકસ ભરી દેવાનો હોવાથી લોકોનો ધસારો વધી ગયોઃ ફોર્મ ૧૬ હજુ આવ્યા ન હોવાની વ્યાપક ફરિયાદ, કંપનીઓએ TDS જમા ન કરાવતા પ્રોબ્લેમ્સ

અમદાવાદ તા. ૧૬ : હિસાબી વર્ષની શરૂઆત પહેલાં જ સરકારે ૩૧મી જુલાઇ પહેલાં જ કરદાતાઓ આવકવેરાના રિટર્ન ફાઇલ કરી ટેકસ ભરી દે તેવો આગ્રહ કર્યો હતો. સામાન્યતઃ કરદાતાઓ આખા વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષથી ૩૧મી જુલાઇ પછી રિટર્ન ફાઇલ કરનાર પાસેથી લેટ ફી વસૂલવાનો નિયમ અમલી કરાયો છે. આ લેટ ફીના ડરને કારણે રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાઓનો ધસારો વધી ગયો છે. રિટર્ન ફાઇલ કરવાની મુદત પૂરી થવા આડે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે જ આયકર વિભાગની સિસ્ટમ સ્લો ચાલતી હોવાથી કરદાતાઓ પરેશાન થઇ રહ્યા છે.

બીજી તરફ, ઘણા નોકરીયાત કરદાતાઓને ફોર્મ-૧૬ ન મળ્યા હોવાથી તેઓ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. કેટલીક કંપનીઓ કે પેઢીઓએ કર્મચારીઓના TDS કાપીને સરકારી તિજોરીમાં જમા કરાવ્યા નથી. આવા કર્મચારીઓને તે મજરે લેવા માટે તકલીફ પડી રહી છે.

સરકારે નોટબંધી પછી GST અને ઇ-વે-બિલનો અમલ શરૂ કરી દીધા બાદ કરદાતાઓએ ૩૧મી જુલાઇ પહેલા જ રિટર્ન ફાઇલ કરી દે તેવો નિયમ બનાવી દીધો છે. સરકારે વહેલું રિટર્ન ફાઇલ કરાવવા નિયમ તો બનાવી દીધો પરંતુ ઓનલાઇન રિટર્ન ફાઇલ કરતી વખતે આયકર વિભાગનું પોર્ટલ સ્લો થઇ જતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તેથી કરદાતા અને તેમના વતી રિટર્ન ફાઇલ કરતા ટેકસ કન્સલટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશાન થઇ રહ્યા છે. .

રિટર્ન ફાઇલ કરવાની અવધી પુરી થઇ રહી છે ત્યારે રિટર્ન ફાઇલ કરવા માટે ધસારો વધી જતાં વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા રજૂઆતો કરી રહ્યા છે. સરકારે ૩૧મી જુલાઇ પહેલા રિટર્ન ફાઇલ કરવાનું ફરમાન જારી કરી દીધું હતું પરંતુ છેક ૨૦મી મે સુધી રિટર્ન ફાઇલ કરવા માટેના ફોર્મ અને વિગતો આયકર વિભાગની વેબસાઇટો પર ઉપલબ્ધ જ ન હતી.(૨૧.૧૩)

(11:59 am IST)