Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરતના લીંબાયત વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણના ત્રણ નેટવર્ક તપાસ દરમ્યાન મળી આવ્યા

સુરત: શહેરના લીંબાયત મીઠીખાડી ખાતે વીજ ચેકીંગ દરમિયાન ટોરેંટ કંપનીને ગેરકાયદેસર વીજ જોડાણના ત્રણ નેટવર્ક મળી આવ્યા હતા. ત્યાં રહેતા ત્રણ વ્યક્તિએ આજુબાજુના 17 વ્યક્તિને વીજ નેટવર્કમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપ્યા હોય વીજ કંપનીએ તમામ વિરુદ્ધ વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપી પોતાની તથા બીજાની જીદગી અને સલામતી જોખમમાં મુકવાના અને વીજ જોડાણ કરી ટોરેંટ પાવર કંપનીને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડવાના ત્રણ ગુના લીંબાયત પોલીસ મથકમાં નોંધાવ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ટોરેંટ કંપનીના અધિકારીઓએ ગતરોજ પોલીસને સાથે રાખી લીંબાયત મીઠીખાડી ખાતે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન તેમને ગેરકાયદેસર વીજ જોડાણના ત્રણ નેટવર્ક રઝાચોક ગલી નં.6 પ્લોટ નં.76 ની સામેથી, ગુજરાત સ્લમ ક્લીયરન્સ બોર્ડ કોલોની પ્રાથમિક શાળા નં.74 અને રમાબાઈ ચોક ગલી નં.10 પાસે ઘર નં.148 માંથી મળ્યા હતા. ગેરકાયદેસર નેટવર્કની તપાસ કરતા હુસૈન ગ્યાસુદ્દીન શેખ ( રહે.પ્લોટ નં.22, રઝાનગર ઝુપડપટ્ટી, ગલી નં.6, મીઠીખાડી નજીક, લીંબાયત, સુરત ) એ રઝાચોક ગલી નં.6 પ્લોટ નં.76 ની સામેથી ત્રણ વ્યક્તિને ગેરકાયદે વીજ જોડાણ કરી આપ્યું હતું. તે રીતે જ મહેબુબ શેખ ( રહે.નુરે ઇલાહી નગર, પ્રાથમિક શાળા નં.74 પાસે, સ્લમ ક્લીયરન્સ બોર્ડ કોલોની, મીઠીખાડી, લીંબાયત, સુરત ) એ પ્રાથમિક શાળા નં.74 પાસેથી સાત વ્યક્તિને ગેરકાયદે વીજ જોડાણ કરી આપ્યું હતું. જયારે અમીન શેખ ( રહે.બ્લોક નં.106, ગુજરાત સ્લમ બોર્ડ કોલોની, ઉર્દુ સ્કુલની નજીક, મીઠીખાડી, લીબાયત, સુરત ) એ રમાબાઈ ચોક ગલી નં.10 પાસે ઘર નં.148 માંથી સાત વ્યક્તિને ગેરકાયદે વીજ જોડાણ કરી આપ્યું હતું.

(5:51 pm IST)