Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કપડવંજના અંતિસાર ગામે એક સાથે ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટતા ચકચાર મચી જવા પામ્યો

ખેડા:જિલ્લાના કપડવંજમાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. તાલુકાના અંતિસાર ગામે એક સાથે ત્રણ ભૂલકાં તળાવમાં ડૂબી જતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બકરી ચરાવવા ગયેલા બાળકો ગરમીને લીધે તળાવમાં ન્હાવા કૂદી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોતજોતામાં આખું ગામ તળાવકાંઠે ભેગું થઈ ગયું હતું. નિર્દોષ બાળકો ગુમાવનાર પરિવારના માથે અચાનક આભ ફાટી નીકળતા ગામમાં આક્રંદ છવાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે ગામની સીમમાં આવેલા તળાવ પાસે  ગામના પશુપાલકો બકરી ચરાવવા આવતા હોય છે. આજે ગામનાં ત્રણ બાળકો પણ તળાવ પાસે બકરી ચરાવવા ગયા હતા. બાળકો ગરમીથી બચવા તળાવમાં ન્હાવા પડયા હોવાનું સ્થાનિકો ચર્ચી રહ્યા છે. થોડી જ મિનિટોમાં તળાવમાંથી બૂમાબૂમ થવા લાગી હતી. તળાવમાં કોઈ ડૂબી ગયું હોવાની આશંકાથી અમુક યુવાનો તળાવ પાસે ધસી આવ્યા હતા. ગરમીથી બચવા બકરી ચરાવતા ત્રણ બાળકો તળાવમાં ન્હાવા પડયા હોવાથી ડૂબી ગયા હોવાનું તેમને જણાતા તળાવમાં શોધખોળ આદરી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ત્રણેય  બાળકો તળાવમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તાત્કાલિક તેમને કાઢીને કપડવંજ પાસે એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્ય હતા. એક સાથે ગામનાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ઘરેઘરે શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમાંય બે બાળકો તો એક જ કુટુંબના હોવાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  સાંજે એક સાથે ત્રણ-ત્રણ બાળકોની સ્મશાનયાત્રા નીકળતા ગામના વૃદ્ધજનોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. 

 

(5:48 pm IST)