Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દહેગામમાં પોલીસચોકીથી દૂર વિસ્તારમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળેજ મોત

દહેગામ:શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સતત વધી રહી છે. જેના લીધે નાના મોટા અકસ્માતો થઇ રહ્યાં છે. આજે આ વિસ્તારમાં એસટી સ્ટેન્ડ અને પોલીસચોકીથી થોડાક જ મીટર દુર એક ટ્રકે એક બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય એક વૃધ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. મૃતક મહિલા બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામની રહેવાસી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળી માહિતી મુજબ દહેગામ નગરમાંથી પસાર થતાં અમદાવાદ મોડાસા હાઇવે પર પોલીસ ચોકી નજીક ગોમતી કોમ્પ્લેક્ષ સામેથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઊંટરડા ગામના એક પરિવારના ચંદનસિંહ ઝાલાકલ્યાણસિંહ ઝાલા અને અમરતબા ઝાલા બાઇક નં.જી.જે.૨૩.એ.૭૨૦૨ પર સવાર થઇ રહ્યા હતા. તે સમયે ગીચ ટ્રાફિક વચ્ચે પસાર ઇ રહેલ ટ્રક નં.જી.જે.૦૮.વાય.૨૨૫૮ ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણેય લોકો રોડ પર પડી ગયા હતા તે પૈકી અમરતબા કલ્યાણસિંહ ઝાલા નામની મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો સાથે વૃધ્ધને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે દહેગામ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જ્યારે બાઇક ચાલક ચંદનસિંહનો આબાદ બચાવ થયો હતો. દહેગામ એસટી પોલીસચોકીથી માત્ર થોડાક જ મીટરના અંતરે બનેલ આ ઘટનાથી લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા ઇ ગયા હતા. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોના પગલે પોલીસની ટ્રાફિક નિયમનની કામગીરી પર વાહનચાલકો ભારે રોષે ભરાયાં છે. મૃતક મહિલા તેમના પતિ તેમજ તેમનો ભત્રીજો અમદાવાદ ખાતે રહેતા રણજીતસિંહના ઘરે ગયા બાદ પરત જુના ઊંટરડા જવા નિકળ્યા હતા ત્યારે અકસ્માત નડયો હતો.

(5:44 pm IST)