Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આઇ.આઇ.ટી.ઇ.માં આજથી પ્રવેશ પ્રક્રિયા

સ્નાતક - અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો : ૧૦ જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગાંધીનગર તા. ૧૬ : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education -IITE), ગાંધીનગર દ્વારા 15 જૂનથી સેન્ટર ઓફ એજયુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજયની બી.એડ. કોલેજોમાં વિવિધ સ્નાતક, અનુસ્નાતક અને શિક્ષણ વિદ્યાશાખામાં રીસર્ચના કાર્યક્રમોમાં અભ્યાસ વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આઈઆઈટીઈના સેન્ટર ઓફ એજયુકેશન દ્વારા B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed.ના ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ઉપરાંત, ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ M.Sc./M.A.-M.Ed., ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ B.Ed.-M.Ed., બે વર્ષના M.Ed. અભ્યાસક્રમો અને શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્મક કાર્યક્રમો M.Phil. તથા Ph.D. ચલાવવામાં આવે છે. આ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં બે બેચલર ડિગ્રી મેળવી શકે છે અને તેમનું એક મહત્ત્વપૂર્ણ વર્ષ બચાવી શકે છે.

આ ઉપરાંત ગત વર્ષથી રાજયની અન્ય તમામ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ B.Ed. કોલેજોનું જોડાણ આઈઆઈટીઈ સાથે થયું છે. આ તમામ કોલેજોના બે વર્ષના B.Ed. અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા પણ આઈઆઈટીઈ દ્વારા હાથ ધરવામાં આવશે.

આ પ્રવેશ પ્રક્રિયા આઈઆઈટીઈ સંલગ્ન રાજયની સરકારી B.Ed. કોલેજોની 2950 બેઠકો, આઈઆઈટીઈ ખાતે ચાલતા ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed. ની 100-100 બેઠકો તથા ઇનોવેટિવ કોર્સ M.Sc./M.A.-M.Ed. કોર્સની 100 બેઠકો તથા ઇન્ટિગ્રેટેડ B.Ed.-M.Ed. કોર્સની 50 બેઠકો, M.Ed. ગુજરાતી માધ્યમ અને M.Ed. અંગ્રેજી માધ્યમની અનુક્રમે 50-50 બેઠકો, ઉપરાંત B.A.(Education) તથા M.A. (Education) માટે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ આઈ૩ટી'(I3T – Integrated Test for Teacher Trainee) પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. આ વિશે માહિતી આપતા આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, “ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેઇની એ  પ્રવેશવાંચ્છુક વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવા માટેની ક્ષમતા ચકાસવા માટેની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા માટેની એપ્લિકેશન આઈઆઈટીઈની વેબસાઇટ પર ઓનલાઇન કરવાની રહેશે. તા. 15 જૂનથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં 10 જુલાઈ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે ઓનલાઇન પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું છે અને અમારા આયોજનની દૃષ્ટિએ વૈકલ્પિક વ્યવસ્થા માટે ઓફલાઇન પરીક્ષાની તૈયારી પણ કરી છે. જેનો નિર્ણય તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો પરીક્ષાની યોગ્ય તૈયારી કરી શકે તે માટે આઈઆઈટીઈની વેબસાઇટ પર ગત વર્ષોમાં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો, વિષયોની માહિતી મૂકી છે. આ ઉપરાંત વેબસાઇટ પર એડમિશન બુકલેટ પર અપલોડ કરવામાં આવી છે, જેમાંથી આઈઆઈટીઈ સાથે સંલગ્ન વિવિધ B.Ed. કોલેજોની યાદી અને અન્ય વિગતો મેળવી શકાશે. પ્રવેશ પરીક્ષાનું પરિણામ 22 જુલાઈના રોજ જાહેર થશે અને ત્યારબાદ 2 ઓગસ્ટથી યુનિવર્સિટીમાં અભ્યાસકાર્યની શરૂઆત થશે.આઈઆઈટીઈમાં અભ્યાસ કરવા માટેની પ્રવેશ એપ્લિકેશન યુનિવર્સિટીની વેબસાઇટ  www.iite.ac.in  પર 15 જૂનથી 10 જુલાઈ, 2021 સુધી કરી શકશે. આ માટેની લિંક http://portal.iite.ac.in/admission/  છે.

(3:22 pm IST)