Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરત સહિત ગુજરાતમાં મોટા પાયે ચરસ સપ્લાય કરતા ડ્રગ માફિયાઓને સંયુકત ઓપરેશનમાં હિમાચલ પ્રદેશથી ઝડપી લેવામાં સફળતા

યુવા ધનને નશાની ગર્તામાં ધકેલાઇ જતા રોકવા માટે ચાલતા અભિયાનને જબરજસ્ત ધક્કો લાગતો રોકવા માટે અજય કુમાર તોમર આદુ ખાઈને પાછળ પડતા મુખ્ય સપ્લાયરો રાજ્ય બહારથી આબાદ સંકજામાં આવી ગયા, ચરસના આંતર રાજ્ય કારોબારની રસપ્રદ કથા : અમરેલીની એક યુવતી સહિત કુલ ૩ ને એસઓજી દ્વારા થોડા દિવસ પહેલા ઝડપી લીધા બાદ, ફરાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયેલઃ ઉકત શખ્સોની પૂછપરછમાં વિસ્ફોટક હકીકતો ખુલી હતીઃ ચોંકી ઉઠેલ સીપી દ્વારા હિમાચલ ડીજીપી સાથે ચર્ચા કરી આખી રણનીતિ ત્યાર કરેલ

રાજકોટ તા.૧૬, ડ્રગ્સ મુકત અભિયાન માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર જજુમી રહ્યા છે તેવા સમયે જ  હિમાચલ પ્રદેશથી સુરત સહિત ગુજરાતમાં ચરસ ઘુસાડવાના મામલમાં અમરેલીની એક યુવતી સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ અને તેમની પૂછપરછ દરમિયાન ખૂલેલી હકીકત આધારે અજય કુમાર તોમર દ્વારા આ દુષણ અને નેટ વર્ક ફૂલે ફાલે તે પહેલા હિમાચલ ડીજીપી સાથે ચર્ચા કરી સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ખાસ ટીમો હિમાચલ મોકલી જાણીતા પર્યટક સ્થળ કુલુના અંતરિયાળ ગામો પર ત્રાટકી કેટલાક સપ્લાયસૅને ઝડપી લીધા છે.                                       

 અત્રે યાદ રહે કે ડ્રગ્સ મુકત અભિયાન માટે વિવિધ સંગઠનો અને વિવિધ કોલેજોની મદદથી સતત ઝઝૂમવા સાથે શારીરિક સૌષ્ઠવનું મહત્વ સમજાવતા કાર્યક્રમો યોજવાની મહેનત પર પાણી ફરી વળે તેવું ધ્યાને આવતા આ બાબતની ખાસ જવાબદારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સુપરત થયેલ.

 એસ. ઓ.જી. દ્વારા ચોક્કસ બાતમી આધારે થોડા દિવસ પહેલા અમરેલીની એક યુવતી સહિત મહારાષ્ટ્રના અતુલ પાટિલ, સુરતના જેનિસ પટેલ સહિત ૩ ને ઝડપી લેવાયેલ. પૂછપરછ દરમિયાન અમુક શખસોના નામ ખુલતા સીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચના એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાહુલ પટેલ વિગેરે સાથે ચર્ચા કરી ફરાર શખ્સોને  શોધવાની કામગીરી એસીપી ક્રાઇમ આર. આર.સરવૈયાને તેમના વિશાળ અનુભવ આધારે સુપરત થતાં ફરાર બે શખ્સો સકંજામાં આવી ગયેલ.

ફરાર જીગ્નેશ ઉર્ફ માસા અને હાર્દિકની પૂછપરછ દરમિયાન જે ચોંકાવનારી વાતો પ્રકાશમાં આવી તે આધારે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા મૂળમાં જ ઘા કરવાના ભાગ રૂપે હિમાચલ પ્રદેશના ડીજીપી સાથે ચર્ચા કરતા તેવો પણ ચોકી ઊઠયા હતા. ઉકત ચર્ચા બાદ સુરત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ આર.એસ. સૂવેરા અને વી.સી.જાડેજા ટીમ કે જેઓ દ્વારા સહુ પ્રથમ પર્દાફાશ થયેલ તેમના માર્ગદર્શનમાં હિમાચલ પ્રદેશ  મોકલી હતી. સ્પેશ્યલ ટીમે હિમાચલ પોલીસની મદદથી રૂ.૨૩.૪૨ લાખના ચરસના ગુનામાં વોન્ટેડ લાલારામ ઉર્ફે રાધેમોહન જયચંદ ( રહે.મલાલા, તા.ભૂતર, જી.કુલ્લુ) , ટેકરામ નોચરામ બહાદુર ( રહે.કુલ્લુ. મૂળ રહે. નેપાળ ) અને પુણા પોલીસે અગાઉ ઝડપેલા ચરસના પ્રકરણમાં વોન્ટેડ નોલારામ ટેકરામ ઠાકુર ( ઉ.વ.૨૬, રહે.પહલ ગામ, ચૌકીગામની સામે ડુંગરામાં પીની પંચાયત, તા.ભૂતર, જી.કુલ્લુ ) ને કુલ્લુ જીલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારની પહાડીઓ પરના ગામમાંથી ઝડપી લીધા હતા તે પૈકી લાલારામ અને ટેકરામ હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાના ઓટ પોલીસ મથકમાં નાર્કોટીકસ એકટના ગુનામાં વોન્ટેડ હોય સુરત પોલીસ પહેલા મંડી પોલીસે બંનેનો કબજો મેળવી ધરપકડ કરો હતી.

બંનેનો કબજો સુરત પોલીસ બાદમાં લેશે. જયારે નોલારામના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત લાવી કબજો પુણા પોલીસને સોંપ્યો છે. એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે કારમી ગરીબીમાં જીવતા યુવાનો ત્યાં પહાડી અંતરોયાળ વિસ્તારોમાં ગાંજાની ખેતી કરી ચરસનું ઉત્પાદન કરે છે.

 બાદમાં તેઓ પર્યટન સ્થળોની આજુબાજુ ફરતા રહી ત્યાં સુરત અને અન્ય શહેરોમાંથી ફરવા આવતા પ્રવાસીઓનો સામેથી સંપર્ક કરો ગાંજો-ચરસ વેચીને યોગ્ય લાગે તેવા વ્યકિત સાથે નેટવર્ક ગોઠવે છે.

(2:01 pm IST)