Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે બેંકોની થાપણોમાં જોરદાર ઘટાડો : રોકડ ઉપાડ દર વધ્યો

અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, રાજકોટ, સુરત, ખેડા, મહેસાણા, મોરબી અને પાટણ સહિતના 20 જિલ્લાઓમાં બેંક થાપણોમાં ઘટાડો: ગ્રામ્ય વિસ્તારમાં બેંકની રોકડમાં ઘટાડો થયો

અમદાવાદ :કોરોના મહામારી બાદ અને લોકડાઉનને કારણે લોકો બેંકમાં પૈસા રાખવા કરતા હાથ પર પૈસા રાખવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં 2020-21 માં બેંકની રોકડમાં 15 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળનું કારણ પરપ્રાંતિય કામદારો બેરોજગાર થઇ વતન પરત ફર્યા તે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે રાજ્યભરમાં ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત વ્યાપારી બેંકો (SCBs) ની કુલ બેંક થાપણો  નાણાકીય વર્ષ 2019-20 માં 1.06 લાખ કરોડ હતી જે 2020-21 માં ઘટીને 91,212 કરોડ થઇ છે.

નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ક્વાર્ટરમાં જ્યારે કોરોના મહામારીને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. અગાઉના ત્રિમાસિક ગાળામાં કુલ બેંક થાપણો 21% ઘટીને રૂ. 84,653 કરોડ થઈ છે. માત્ર એક ક્વાર્ટરમાં 22,346 કરોડ રૂપિયાની રોકડ ઉપાડવામાં આવી છે.

સ્ટેટ લેવલ બેન્કર કમિટી (SLBC) ગુજરાત પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લોકડાઉન, મહામારી અને કોરોનાની અનિશ્ચિતતાના પગલે ગ્રામીણ વિસ્તારોમાં ગભરાહટ ફેલાયો હતો. જેના કારણે પૈસાનો ઉપાડ વધ્યો છે. ગુજરાતમાં ગ્રામીણ બેંકની બ્રાન્ચમાં લોકો પૈસા ઉપાડવા માટેની લાઈન લાગતી હતી.

અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, રાજકોટ, સુરત, ખેડા, મહેસાણા, મોરબી અને પાટણ સહિતના 20 જિલ્લાઓમાં બેંક થાપણોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

એસએલબીસીના એમએમ બંસલએ જણાવ્યું હતું કે, જો કે, કૃષિ ક્ષેત્રમાં ઉછાળો આવતા જ બીજા ક્વાર્ટરમાં બેન્કની થાપણોમાં વધારો નોંધાયો છે. પરંતુ વિકાસ દર હજુ પણ ઓછો છે. બેંકિંગ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરપ્રાંતીય મજૂરો વતનમાં પરત ફરતા રોકડ ઉપાડનો દર વધ્યો છે, પરંતુ બેન્કની થાપણોમાં ઘટાડો થયો છે.

જાહેર ક્ષેત્રની બેંકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગ્રામીણ લોકોને બિયારણ અને ખાતરો ખરીદવા માટે રોકડની જરૂર પડે છે. સારું બિયારણ હોય તો પાક સારો પાકે છે તેથી પૈસા વધુ મળે છે, તેથી બેંકમાં પૈસા રાખવાની બદલે હાથ પર પૈસા રાખવાનું વધુ પસંદ કરે છે.

થાપણોમાં ઘટાડા માટે હિજરત પણ એક કારણ હતું. ઘણા હિજરત કરનારાઓ તેમની નોકરી ગુમાવી બેઠા હતા અને આવકના વગર તેના વતનમાં પાછા ફર્યા હતા. તેથી બેંકમાં રાખેલી બચત વપરાઈ ગઈ હતી. જેથી પરિવારોમાં રોકડની જરૂરિયાત વધી છે.

આરબીઆઈનો ડેટા સૂચવે છે કે ગુજરાતમાં અનુસૂચિત વ્યાપારી બેંકોની એકંદર બેંક થાપણો 2019-20 માં 7.63 લાખ કરોડ હતી જે 2020-21 માં વધીને 8.47 લાખ કરોડ થઇ હતી. આરબીઆઈનો ડેટા સૂચવે છે કે, ગ્રામીણ વિસ્તારો સિવાય, અર્ધ-શહેરી, શહેરી અને મહાનગરોમાં થાપણો વધી હતી.

(1:24 pm IST)