Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વાવણીમાં મગફળી મોખરે : ૯૪૫૧૮ હેકટરમાં વાવેતર

મેઘસવારી ઢુકડી દેખાતા ખેડૂતો આશાભેર ખેતરો ખૂંદવા લાગ્યા : કુલ વાવેતર વિસ્તાર ૧૬ લાખ હેકટર : રાજ્યમાં બધા પાકોનું મળીને સરેરાશ પ્રારંભિક વાવેતર ૨.૫૫ ટકા

રાજકોટ તા. ૧૬ : રાજ્યમાં અમુક વિસ્તારોમાં મેઘરાજાની હાજરી પૂરાઇ ગઇ છે અને અમુક વિસ્તારોમાં ટુંક સમયમાં મોઘસવારી આવવાની ધારણા છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવણી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પ્રારંભિક રીતે સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક તરીકે કપાસ અને મગફળી મુખ્ય છે.

રાજ્યમાં છેલ્લા ૩ વર્ષના આંકડા ધ્યાને લેતા મગફળીનો કુલ વાવેતર વિસ્તાર ૧૬,૯૫,૦૭૭ હેકટર છે. ગયા વર્ષે ૧૪ જુન સુધીમાં ૧,૧૧,૯૬૧ હેકટરમાં મગફળીની વાવણી થયેલ. આ વખતે એ જ તારીખ સુધીમાં ૯૪૫૧૮ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. તે મગફળીના કુલ વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ૫.૫૮ ટકા છે. કપાસનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨૫,૫૩,૨૩૬ હેકટર છે. જેમાંથી તા. ૧૪ જુન સુધીમાં ૯૯૩૮૨ હેકટરમાં વાવેતર થયું છે તે ૩.૮૯ ટકા ગણાય છે.

ડાંગરનું વાવેતર ૦.૦૫ ટકા, બાજરીનું વાવેતર ૦.૦૭ ટકા, તુવેરનું વાવેતર ૦.૨૪ ટકા, શાકભાજીનું વાવેતર ૩.૬૧ ટકા, મકાઇનું વાવેતર ૦.૧૫ ટકા થયું છે. રાજ્યના કુલ વાવેતર વિસ્તાર પૈકી તા. ૧૪ સાંજ સુધીમાં ૨.૫૫ ટકા વાવણી થઇ છે. સારો વરસાદ થઇ જાય તો જૂન અંત સુધીમાં વાવણીની મોસમ પુરબહારમાં ખીલવાની ખેડૂતોને આશા છે.

અત્યાર સુધીમાં કઇ વાવણી કેટલી થઇ ?

પાક

વાવેતર ટકા

ડાંગર

૦.૦૫

મકાઇ

૦.૧૫

મગફળી

૫.૫૮

કપાસ

૩.૮૯

તુવેર

૦.૨૪

શાકભાજી

૩.૬૧

તલ

૦.૧૭

બાજરી

૦.૦૭

(11:00 am IST)