Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા AMC તૈયાર

એએમસી દ્વારા હાથ ધરાયેલો સર્વે પૂર્ણ : ૨૪ હજાર બેડની વ્યવસ્થા કરાશે, ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા વધારાશે અને વેન્ટિલેટરની સંખ્યા પણ વધારાશે

અમદાવાદ, તા. ૧૫ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર થઈ ગયું છે. એએમસી દ્વારા જરૂરિયાત અંગે હાથ ધરાયેલો સર્વે પૂર્ણ થયો છે. ત્યારે કોરોનાની બીજી લહેર બાદ સર્જાયેલી બેડની અછતને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા ૨૪ હજાર બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા વધારાશે, તેમજ વેન્ટિલેટરની સંખ્યામાં પણ વધારો કરાશે.

એએમસી દ્વારા ખાનગી અને સરકારી મળી નવા ૫૦ સ્થળ શોધવામાં આવ્યા છે. હોસ્પિટલ ઉપરાંત હવે કોમ્યુનિટી હોલ, બેંક્વેટ હોલ પણ દર્દીઓ માટે તૈયાર કરી રાખવામાં આવશે. કોમ્યુનિટી હોલમાં મિનિ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. તેમજ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટીંગ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જો કે, એએમસી દ્વારા વર્તમાન ટેસ્ટીંગ કરતા સ્ટાફને અન્ય મહત્વની કામગીરી માટે ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા બેડની સંખ્યા, તબીબોની સંખ્યા અને ઓક્સિજનના પ્લાન્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર માટે એએમસી દ્વારા ઝોન મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

(9:54 pm IST)