Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમદાવાદ : સતત ત્રીજા દિવસે તોફાની પવનની સાથે વરસાદ

શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી : વરસાદથી પૂર્વ-નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદ : કેટલીય જગ્યાએ રોડ-રસ્તા, રિપેરિંગના કામો

અમદાવાદ,તા. ૧૬  : અમદાવાદ શહેરમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ જોરદાર તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી જાણે ચોમાસાનો વરસાદી માહોલ સર્જયો હતો. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઝંઝાવાતી પવન સાથે આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા રહ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તો, વરસાદના કારણે પાણી ભરાવાના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે ભૂવા અને ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તો, શહેરમાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ભારે વરસાદના કારણે પાણી ભરાવાને લઇ શહેરના કેટલાક વિસ્તારોમાં તો ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અલબત્ત, શહેરમાં વરસાદી માહોલના કારણે સમગ્ર વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયું હતું. શહેરના મણિનગર, વાડજ, ઇસ્કોન, સારંગપુર સિંધી મીલ, અસારવા સહિતના કેટલાક વિસ્તારોમાં આજે વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. શહેરના કાંકરિયા રોડ પર બેસ્ટ હાઇસ્કૂલ નજીક રિક્ષામાં એક પરિવાર પસાર થઇ રહ્યો હતો ત્યારે તોફાની પવન સાથેના વરસાદના કારણે એક વિશાળ વૃક્ષ ધરાશયી થઇ જતાં રિક્ષામાં બેઠેલી યુવતીનું અકાળે મોત નીપજયું હતું. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે જાણે અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લગભગ બપોર સુધીમાં તો, વાદળો જોરદાર ઘેરાયા અને ઠંડો પવન ફુંકાવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જોરદાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર,  નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે અને ધોધમાર વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંજ સુધીમાં અને મોડી રાત્રે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં સમગ્ર શહેરનું વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયુ હતું. અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ જોવા મળી હતી. ગઇકાલે પણ પહેલા જ વરસાદમાં શહેરના વેજલપુર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં તો મસમોટા અને જોખમી ભૂવા પડી ગયા હતા. જેને લઇને પહેલા જ વરસાદમાં અમ્યુકો તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વિવાદથી બચવા અમ્યુકો તંત્રના અધિકારીઓએ ભૂવાના રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી પરંતુ લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. કારણ કે, આટલા મોટા ભૂવાને લઇ ગંભીર અકસ્માત કે દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની તેવા સવાલો નાગરિકોએ ઉઠાવ્યા હતા. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વરસેલા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘરની બહાર નીકળી વરસાદની મજા માણતાં જોવા મળ્યા હતા. અમદાવાદની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકો સાણંદ, વિરમગામ, કમીજલા, શાહપુર, કુમારખાણ સહિતના વિસ્તારો અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને લઇ ચોમાસાનો વરસાદી માહોલ છવાતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

(8:07 pm IST)
  • વિશ્વકપ :ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન :47 મી ઓવરમાં મેચ અટકી :બંને ટીમોના ખેલાડીઓ પાછા ફર્યા: ભારતે 46.4 ઓવરમાં 4 વિકેટે 305 રન ખડક્યા : રોહિત અને કે.એલ. રાહુલની ઓપનિંગ જોડીએ 136 રનની પાર્ટનરશીપ કરી :રાહુલ 57 રન અને રોહિત શર્મા 140 રને આઉટ: હાર્ડિક પાંડ્યાએ 19 બોલમાં 26 રન કર્યા બાદ આઉટ : ધોનીની પણ વિકેટ પડી ગઈ access_time 7:05 pm IST

  • દેશમાં આજની તારીખે ૪૩ ટકા વરસાદની ખાધ : ૨ થી ૩ દિવસમા જ નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની સંભાવના access_time 5:47 pm IST

  • ગુજરાતના ડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ: નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે.: રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. access_time 1:17 am IST