Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સનું હોમ ડિલાઈટની સાથે જોડાણ થયું

ન્યુઝ પેપર વિતરણમાં વિતરક બંધુના સંદર્ભે નિર્ણય : અમદાવાદ ખાતે વિતરક બંધુઓના ૨૦ ટકા પેપર ઘટયા છે : હોમ ડિલાઇટ તેમનો ધંધો વિકસાવવામાં મદદ કરશે

અમદાવાદ,તા. ૧૬ :     ન્યુઝ પેપર વિતરણમાં વિતરક બંધુઓના ધંધાના વ્યાપ માટે એક મહત્વના નિર્ણયના ભાગરૂપે અમદાવાદ શહેરના વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસીએશનનું હોમ ડિલાઈટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ડિજીટલ અને ઇન્ટરનેટ યુગના કારણે અમદાવાદમાં વિતરકબંધુઓના ૨૦ ટકા પેપર ઘટયા હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો હોઇ હવે હોમ ડિલાઇટ ન્યુઝ પેપરના ફેરિયા-વિતરક બંધુઓને તેમનો ધંધો વિકસાવવામાં મદદ કરશે એમ અત્રે વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા વસરામભાઈ પ્રજાપતિ તેમ જ હોમ ડિલાઈટ કંપનીના ચેરમેન પ્રવીણભાઇ ગોર અને મેનેજીંગ ડિરેક્ટર અલ્પિત ગોરે જણાવ્યું હતું. વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસીએશન અને હોમ ડિલાઈટ કંપનીના સંયુકત ઉપક્રમે આજરોજ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે વાર્ષિક સંમેલન ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ધ્યેય પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવાનો હતો. આ સંમેલનમાં અમદાવાદના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી તથા અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ હાજર રહ્યા હતા, તેમજ સંમેલનમાં ૪૦૦થી વધુ વિતરકો હાજર રહ્યા હતાં. આ પ્રસંગે વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા વસરામભાઈ પ્રજાપતિ તેમ જ હોમ ડિલાઈટ કંપનીના ચેરમેન પ્રવીણભાઇ ગોર અને મેનેજીંગ ડિરેક્ટર અલ્પિત ગોરે જણાવ્યું હતું કે, હોમ ડિલાઈટ કંપની સાથે આજરોજ થયેલા બિઝનેસ એસોસીએશનથી અમારા વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધશે અને તેઓની આવડત અને ફાજલ સમયનો તેઓ ઉપયોગ કરી વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. આ સહભાગીદારીથી તમામ વિતરક બંધુઓ ખુશહાલ છે. આજના આ સંમેલનનો મુખ્ય ધ્યેય ન્યૂઝ પેપર્સ એસોસિએશનના વિતરક ભાઈઓની માસિક આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તેની કેળવણી આપવાનો હતો. હોમ ડિલાઈટ કંપની દ્વારા રોજીંદા ઘર તેમજ ઓફિસોમાં જરૂર પડતી રોજીંદી મહત્વની સર્વિસ જેવી કે પ્લમ્બર, એ.સી., આર.ઓ, ઈલેકટ્રીશ્યન, સુથારીકામ, કડિયાકામ, ઊધઈ નિયંત્રણ, સિક્યોરિટી, હાઉસ કિંપીગ, ઘરગથ્થુ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, મિકસર, ઓવન વગેરે જેવી ૭૫થી વધુ સર્વિસ સાથે જોડાઈ તેઓ તેમની આવડત મુજબ તેમની આવકમાં વધારો કરી શકશે. કંપની દ્વારા નવા તથા જુના ઘરના - ઓફિસના રિનોવેશન અને ટર્નકી જોબ કરી આપવામાં આવે છે. હોમ ડિલાઈટ કંપની દ્વારા આપવામાં આવતી તમામ સર્વિસ ખુબ જ સુરક્ષિત છે. કારણ કે કંપની સાથે સંકળાયેલા તમામ સર્વિસ પ્રોવાઈડર કંપનીના રજીસ્ટાર સભ્યો છે. કંપની દ્વારા આપવામાં આવતી તમામ સર્વિસ ઉપભોકતા તેમના સમયે સર્વિસ પ્રાપ્ત કરી શકે છે, અને એકવાર સર્વિસનો લાભ લીધા બાદ તે સંદર્ભે કોઈ ફરિયાદ ઊભી થાય તો સાત દિવસ સુધી અન્ય કોઈપણ ચાર્જ વસુલ કર્યા સિવાય ઉપભોકતાને સંતોષકારક સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વુમન એમપાવરમેન્ટ કોર્પોરેશનના સહયોગથી ચલાવવામાં આવતી આજીવીકા એપ્લીકેશનમાં અમારી કંપનીની સહભાગીદારીથી સોફટવેર ઓનલાઈન સર્વિસ પૂરી પાડવામાં આવી હતી. અમારી કંપનીનો મુખ્ય હેતુ વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ એસોસિએશનના વિતરક બંધુઓને તેમની આવડત મુજબના કાર્ય તેમના જ વિસ્તારમાં પૂરા પાડી તેમની આર્થિક સ્થિતિ સુદ્રઢ બનાવવાનો છે. કંપનીના ડાયરેક્ટર ઉમેશ ભદ્રેશ્વરાએ જણાવ્યું હતું કે, હોમ ડિલાઈટ કંપનીમાં હાલ ૧૮૦૦થી વધુ સર્વિસ પ્રોવાઈડર્સ સંકળાયેલા છે. આગામી છ મહિનામાં ૧૦,૦૦૦ નિષ્ણાત પ્રોવાઈડર્સ જોડવાનો લક્ષ્યાંક છે.

(8:05 pm IST)