Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અલગ અલગ દિવસોમાં રાજય સભાની પેટા ચૂંટણી યોજી ભાજપે પોતાની જીત નિશ્‍ચિત કરી લીધી : ૧૦ વર્ષ જુનો ચુકાદો રજુ કરી ચૂંટણીના અલગ દિવસો માન્‍ય રખાવ્‍યા: હવે અલ્‍પેશને મનાવવાની જરૂર નહિ પડે

ગાંધીનગર : રાજ્યસભામાં ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠકો માટે પ જૂલાઈએ પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે બિહારમાં એક અને ઓરિસ્સાની ત્રણ બેઠકો માટેની પેટા ચૂંટણીનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે.

શાહ અને ઈરાની લોકસભામાં ચૂંટાયા તેના નોટિફિકેશન એક દિવસના અંતરે પ્રસિદ્ધ થયા તેની કાયદાકીય છટકબારીનો લાભ લઈ ગુજરાતની તેમની બે બેઠકો પરની ચૂંટણી એકસાથે નહીં પરંતુ અલગ અલગ યોજવાનો ખેલ પાડવામાં આવ્યો હોવાનું જણાઈ આવે છે.

દેખીતી રીતે જ જો બે બેઠકોની ચૂંટણી સાથે યોજાય તો ભાજપને એક જ બેઠક મળે તેમ હતું પરંતુ હવે ભાજપની વિધાનસભામાં સભ્ય સંખ્યા અને અલગ ચૂંટણીની વાસ્તવિકતાને ધ્યાને લેતાં બંને બેઠક ભાજપને ફાળે જાય તે નિશ્ચિત થયું છે.

ભાજપના આ માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસ કાયદાકિય પ્રક્રિયામાં વધુ ઉલઝશે એ નક્કી છે. ગુજરાતમાં આ બંને બેઠકો માટે એક જ દિવસે મતદાન યોજાશે. પરંતુ, તેના માટે મતદાન પત્રકો અને મતપેટીઓ અલગ અલગ રહેશે. રાજ્યસભાની સામાન્ય ચૂંટણીમાં એકથી વધુ ઉમેદવારો હોય ત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ કે થર્ડ પ્રેફરન્સ એમ એકડો, બગડો એમ ક્રમાનુસાર પસંદગીને આધારે મતદાન થતુ હોય છે.

પરંતુ, આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી બેઠકોના નોટિફિકેશનની તારીખો અલગ અલગ હોવાથી અલાયદા મતત્રકો રહેતા વિધાનસભામાં ભાજપનું સંખ્યબળ 99 હોવા છતાંયે બંને બેઠકો ભાજપ જીતી જશે એ નિશ્ચિત છે.

લોકસભામાં ગાંધીનગરથી ચૂંટાયા બાદ રાજ્યસભામાં અમિત શાહની બેઠક 23 એપ્રિલે ખાલી પડયાનું નોટિફિકેશન જાહેર થયુ હતુ. જ્યારે અમેઠીથી ચૂંટાયા બાદ સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠક માટે 24 એપ્રિલે આ વિધી થઈ હતી

લોક પ્રતિનિધિત્વ ધારો અને દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને આધારે હવે આ બંને બેઠકો માટે અલગ અલગ મતદાન થતા 72 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસને કંઈ પ્રાપ્ત થઈ શકશે નહી. બે બેઠકો પૈકી વિદેશ મંત્રી એસ.જયશંકરને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલશે. બીજી બેઠક માટે સ્થાનિક નેતાને ઉતારવામાં આવે તેવી ચર્ચા છે.

સમજણઃ આ ચુકાદાથી કોંગ્રેસનું સ્વપ્ન રોળાશે

ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યસભા સહિત સંસદના તમામ ગૃહની પેટા ચૂંટણી જે તે બેઠક ખાલી પડયાના અનુસંધાને નક્કી થાય છે. ચૂંટણીનો કાર્યક્રમ ભલે એકસમાન હોય પણ દરેક બેઠક માટે અલગ અલગ નોટિફિકેશન્સ અને અલગ અલગ ચૂંટણી યોજાય છે.

જે વર્ષ ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 147થી 151ની જોગવાઈઓને સુસંગત છે. આ કિસ્સામાં (હાલની પેટાચૂંટણીમાં) ઈલેક્શન કમિશને આ જ પ્રથા અપનાવી છે. જેને દિલ્હી હાઈકોર્ટે વર્ષ 1994માં એ.કે.વાલિયા વિરૂધ્ધ કેન્દ્ર સરકાર તથા વર્ષ 2009માં સત્યપાલ મલિક વિરૂધ્ધ ચૂંટણી પંચના ચૂકાદામાં બહાલ રાખ્યું છે.

BJPને હવે અલ્પેશની ટોળીની જરૂર નહીં પડે

પેટાચૂંટણી સામાન્યની જેમ યોજાવાની હોત તો ભાજપને બીજી બેઠક જીતવા કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યોના મતો અનિવાર્ય થઈ પડતા. પરંતુ, હવે 10 વર્ષ જૂનો દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો હાથવગો થઈ જતા ભાજપને હવે અલ્પેશ ઠાકોર અને તેની ટોળીના કોંગ્રેસી ધારાસભ્યોની જરૂર નહી પડે એ સ્પષ્ટ છે.

(11:59 am IST)