Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ : વાતાવરણમાં ઠંડક

પહેલા વરસાદમાં વેજલપુર-જશોદાનગરમાં ભૂવા : શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અને ભૂવા પડતા અમદાવાદ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન દાવા ખોટા પુરવાર

અમદાવાદ, તા.૧૫ : રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલની અસર ચાલુ રહેવા પામી છે. બીજીબાજુ, આજે અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર અને ભારે પવન ફુંકાવા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તો, પહેલા જ વરસાદમાં શહેરના વેજલપુર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં મોટા ભૂવા પડતાં પહેલા જ વરસાદમાં અમ્યુકો તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. શહેરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયું હતું. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે જાણે અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લગભગ બપોરે ૧૨-૦૦ વાગતાં સુધીમાં તો, વાદળો જોરદાર ઘેરાયા અને ઠંડો પવન ફુંકાવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જોરદાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર,  નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે અને ધોધમાર વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ જોવા મળી હતી. બીજીબાજુ, પહેલા જ વરસાદમાં શહેરના વેજલપુર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં તો મસમોટા અને જોખમી ભૂવા પડી ગયા હતા. જેને લઇને પહેલા જ વરસાદમાં અમ્યુકો તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વિવાદથી બચવા અમ્યુકો તંત્રના અધિકારીઓએ ભૂવાના રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી પરંતુ લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. કારણ કે, આટલા મોટા ભૂવાને લઇ ગંભીર અકસ્માત કે દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની તેવા સવાલો નાગરિકોએ ઉઠાવ્યા હતા. શહેરમાં બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેરનું વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયું હતુ અને લોકો ઘરની બહાર નીકળી વરસાદની મજા માણતાં જોવા મળ્યા હતા.  અમદાવાદની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકો સાણંદ, વિરમગામ, કમીજલા, શાહપુર, કુમારખાણ સહિતના વિસ્તારો અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને લઇ ચોમાસાનો વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે. અમદાવાદ માટે પણ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે વરસાદ જારી રહેશે અને વાદળો પણ રહેશે. આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૩૭ ડિગ્રી રહ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૫ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૫.૪

ડિસા............................................................ ૩૬.૨

ગાંધીનગર................................................... ૩૪.૬

વીવીનગર................................................... ૩૫.૭

વડોદરા....................................................... ૩૬.૬

સુરત........................................................... ૩૩.૬

વલસાડ....................................................... ૩૪.૯

અમરેલી...................................................... ૩૩.૪

ભાવનગર.................................................... ૩૬.૭

રાજકોટ....................................................... ૩૫.૨

સુરેન્દ્રનગર.................................................. ૩૩.૮

ભુજ............................................................. ૩૪.૮

કંડલા એરપોર્ટ............................................. ૩૪.૬

(8:24 pm IST)