Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ખરીદી કરવા નીકળેલા બે યુવકો પર જીવલેણ હુમલોઃ શહેરના મજૂરગામના બનાવથી તંગદિલી છવાઇઃ હુમલામાં એક યુવકને પેટમાં તથા માથાના ભાગમાં છરીના ઘા વાગ્યા : કાગડાપીઠ પોલીસની હુમલાખોરો સામે તપાસ

અમદાવાદ, તા.૧૬: ઇદના તહેવાર નિમિત્તે ખરીદી કરવા માટે નીકળેલા બે યુવક પર ચાર અજાણ્યા યુવકોએ મજૂરગામ પાસે છરી વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઇ હતી. મજૂરગામમાં કોઇ મુસ્લિમ યુવકની સ્થાનિક રહીશો સાથે બબાલ ચાલતી હતી તે સમયે આ બંને યુવકો ત્યાંથી પસાર થયા હતા. બંને જણા મુસ્લિમ યુવકની મદદ માટે આવ્યા હોવાનું સમજીને ચાર અજાણ્યા યુવકોએ તેમની પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક યુવકને પેટમાં તેમજ માથાના ભાગ પર છરીને ઘા વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે હુમલાખોર શખ્સો વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.          શાહઆલમ વિસ્તારમાં આવેલ મોગલપાર્ક સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય મોહંમદ રાશીદ શેખે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આક્ષેપો મુજબ, મોહંમદ રાશીદ તેના મિત્ર અબ્દુલ મુસ્તાક અલી સાથે ઇદના તહેવાર નિમિત્તેે ખરીદી કરવા માટે જમાલપુર ગયા હતા. ખરીદી કરીને રાશીદ અને મુસ્તાક બન્ને જણા બાઇક પર પરત આવી રહ્યા હતા તે સમયે મજૂરગામ પાસે એક મુસ્લિમ યુવકની ત્યાં સ્થાનિક રહીશો સાથે બોલાચાલી થતી હતી. બબાલના કારણે ત્રણ રસ્તા પર ભીડ વધુ હોવાથી મુસ્તાકે ધીમેથી બાઇક ભીડમાંથી કાઢવાની કોશિશ કરી હતી દરમિયાનમાં ભીડમાં ઊભેલા કેટલાક યુવકોએ બાઇકની પાછળ બેઠેલા રાશીદની બોચી પકડીને તેને જમીન પર પટકી દીધો હતો. મુસ્લિમ યુવકની બબાલમાં રાશીદ અને મુસ્તાક આવ્યા હોવાનું સમજીને ચાર યુવકો તેમની પર તૂટી પડ્યા હતા. તકનો લાભ લઇને મુસ્તાક નાસી ગયો હતો જોકે રાશીદ ભાગી નહીં શકતા ચારેય લોકોએ તેની પર આડેધડ છરી તેમજ ધારદાર વડે હથિયાર વડે હુમલો કર્યો હતો. રાશીદને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા. ઇદનો તહેવાર હોવાથી કોમી તોફાન ના થાય તે માટે પોલીસે મજૂરગામમાં ચાંપતો બદોબસ્ત ગોઠવી દીધો હતો. કાગડાપીઠ પોલીસે આ મામલે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને રાશીદ પર હુમલો કયાં કારણોસર થયો તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

(10:22 pm IST)