Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બાળકને સેક્સ એજયુકેશનનું યોગ્ય જ્ઞાન આપવું જરૂરી છે

સેક્સ એજયુકેશનની સ્ટારકાસ્ટ અમદાવાદમાં: સમાજને ખાસ કરીને માતા-પિતા અને સંતાનોને અનોખા સંદેશા સાથે રાહ ચીંધતી ગુજરાતી ફિલ્મ ૨૨ જૂને રિલીઝ

અમદાવાદ,તા.૧૬: આજના આધુનિક અને કહેવાતા હાઇફાઇ યુગમાં લોકો મોર્ડન તો થયા છે પરંતુ બાળકોને જાતીયતા સંદર્ભે સાચી અને પૂરતી માહિતી કે જાણકારી પણ ઉપલબ્ધ કરાવી શકતા નથી, જેના કારણે બાળકોમાં સેક્સની અધૂરી અને અધકચરી ગેરમાર્ગે દોરતી સમજણો અને ભ્રામક વાતો તેમને જીવનમાં ના કરવાની ભૂલો અને કૃત્યો કરાવી નાંખે છે. જેના કારણે ઘણીવાર માઠા પરિણામો ખુદ માતા-પિતા અને સમાજે પણ ભોગવવા પડતા હોય છે. આવા સંજોગોમાં બાળકો અને તેમના વાલીઓ માટે એક અંતર દૂર કરી નિખાલસપણે તેમને સેક્સ વિષય પર સાચુ જ્ઞાન, માહિતી અને શિક્ષણ-માર્ગદર્શન આપતી સેક્સ એજયુકેશન ગુજરાતી ફિલ્મ સમાજને ખાસ કરીને માતા-પિતા અને તેમના સંતાનોને અનોખો સંદેશ આપવાની સાથે સાથે સાચી રાહ ચીંધશે એમ અત્રે ગુજરાતી ફિલ્મ સેક્સ એજયુકેશનની સ્ટારકાસ્ટે અત્રે જણાવ્યું હતું. સેક્સ એજયુકેશનને બાળકોના અભ્યાસક્રમમાં વણી લેવા સાથે સમાજને પણ હવે આ વિષય પરત્વે જાગૃત થવાનો સંદેશો આપતી સેક્સ એજયુકેશન નામની ગુજરાતી ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક આજે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના ડાયરેકટર પ્રણવ પટેલ, હીરો સમર્થ શર્મા, અને હીરોઇન દિવ્યા ભટ્ટે જણાવ્યું હતું કે, સેક્સના શિક્ષણ અને માર્ગદર્શન જેવા એક અનોખા અને પડકારજનક વિષય સાથે સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં  આ પ્રકારની ગુજરાતી ફિલ્મ તા.૨૨મી જૂને ગુજરાતભરમાં રિલીઝ થઇ રહી છે. કોઇપણ જાતની વલ્ગારિટી વગર આ ફિલ્મ સેક્સ વિશેની ભ્રામક વાતો અને અધકચરા પ્રચારનો છેદ ઉડાડી સાચું જ્ઞાન, જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતી અનોખી ફિલ્મ છે, જે સેક્સ એજયુકેશનની જ વાત રજૂ કરે છે. તો, વયસ્ક વિદ્યાર્થીઓને સેક્સ તેમ જ શારીરિક વિકાસ સંદર્ભે સાચી માહિતી ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. પ્રેમ, સન્માન અને સાચી લાગણીઓનું મહત્વ, સમજણ અને સંયમ, કન્યાઓ-મહિલાઓ પ્રત્યેની માનસિકતામાં ઉદારીત્વ વગેરે પ્રશ્નોત્તરી સ્વરૂપની રજૂઆત ઘણી હૃદયસ્પર્શી રીતે રજૂ થઇ છે. ફિલ્મના ડાયરેકટર પ્રણવ પટેલ, હીરો સમર્થ શર્મા, અને હીરોઇન દિવ્યા ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, શાળાઓમાં પણ સેક્સ એજયુકેશન સબ્જેકટ નથી.

શિક્ષકો પણ આ વિષયને લઇ વિદ્યાર્થીઓને સાચુ જ્ઞાન કે જાણકારી ઉપલબ્ધ કરાવતા નથી. શિક્ષકો ખુદ શરમ અને સંકોચના કારણે વિદ્યાર્થીઓને આમ કરી ખરેખર તો તેમને જીંદગીની કાચી ઉમંરના ઉઁબરેથી જ સાચી રાહ ચીંધવાની ફરજમાંથી ચૂકી જાય છે. દરમ્યાન ફિલ્મના નિર્માતા કિશોર જાંગીડ અને દિપક જાંગીડે જણાવ્યું હતું કે, સેક્સને લગતા બાળકો અને વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા હજારો સવાલોનું સમાધાન આ ફિલ્મમાં આપવાનો પ્રયાસ થયો છે. સેન્સર બોર્ડે પણ તેને વેરી નાઇસ મેકીંગ ગણાવી એ સર્ટિફિકેટ આપ્યું છે ત્યારે વડીલો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ અચૂક આ ફિલ્મ નિહાળવી જ રહી, કારણ કે, વયસ્ક થઇ રહેલા બાળકોને તેમની આંતરિક સમસ્યાઓનો ઉકેલ ફિલ્મમાંથી જ મળી રહેશે અને બાળકો ગેરમાર્ગે દોરાતાં અટકશે. આવી ફિલ્મો સમાજમાં વધી રહેલી દુષ્કર્મ જેવી નિંદનીય ઘટનાઓ પર લગામ કસવામાં પણ મહત્વની સાબિત થઇ શકે એમ તેમણે ઉમેર્યું હતું.

(10:16 pm IST)