Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સીટીએમ પાસે ટ્રિપલ દુર્ઘટના સર્જાઈ : પતિનું કરૃણ મોત થયું

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર : ઇજાગ્રસ્ત પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ : દંપતિ રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાતા ઉત્તેજના

અમદાવાદ,તા. ૧૬ : શહેરમાં પુરઝડપે વાહન ચલાવનાર વાહનચાલકોના કારણે દર એકાદ-બે દિવસે નિર્દોષ રાહદારીઓનાં અકસ્માતમાં મોત થાય છે. આજે વહેલી સવારે સીટીએમ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલું દંપતી વિચિત્ર પ્રકારના સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ભોગ બન્યું હતું, જેમાં પતિનું અકાળે ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતુ, જયારે પત્નીને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સીટીએમ સર્કલ પાસે થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિચિત્ર પ્રકારના આ અકસ્માતમાં ટ્રક અને લક્ઝરીની વચ્ચે દંપતી આવી જતાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું, જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ નારોલ વિસ્તારમાં પણ એક વૃદ્ધ મહિલાને બાઇકચાલકે અડફેટમાં લેતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે રખિયાલમાં પણ એક યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું મોત થયું હતું. સીટીએમના ટ્રિપલ અકસ્માતની વિગત એવી છે કે,  કુબેરનગર વિસ્તારમાં રહેતા રાહુલ દલદાણી અને તેમની પત્ની સુમન વડોદરાથી લકઝરીમાં અમદાવાદ આવ્યાં હતાં. કુબેરનગર જવા માટે રાહુલ અને સુમન સીટીએમ સર્કલ પર રોડ ક્રોસ કરતાં હતાં તે સમયે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે તેઓ અડફેટમાં ગયાં હતાં. વડોદરા એક્સપ્રેસ હાઇવે શરૃ થાય તે સર્કલ પર પુરઝડપે ટ્રક પસાર થયા બાદ દંપત્તિ પસાર થતું હતું ત્યારે લક્ઝરી બસની હડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાહુલનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે સુમનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એએમટીએસ બસે એકાએક બ્રેક મારતાં ટ્રક-લક્ઝરી એકબીજા સાથે અથડાયાં હતાં. ત્રણેય વાહનોના અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા મુસાફરો અને લોકો તો બચી ગયા હતા પરંતુ રસ્તો ઓળંગી રહેલ ઉપરોકત દંપત્તિ કચડાઇ ગયું હતું. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં જ આઇ ડિવિઝન પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

પોલીસે પતિ રાહુલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી, જયારે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. અકસ્માતને પગલે સીટીએમ સર્કલ પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને તેના કારણે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના અન્ય બનાવોમાં, ગુરુવારની રાતે નારોલ વિસ્તારમાં પુરઝડપે પસાર થઇ રહેલા બાઇકચાલકે એક અજાણી વૃદ્ધ મહિલાને અડફેટમાં લઇને ફરાર થઇ ગયો હતો, જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ જ પ્રકારે ગઇકાલે પણ રખિયાલ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ એસ્ટેટની બહાર કારખાના પાસે સૂઇ રહેલા રશ્મીરંજન મોહંતી પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતુ. આ બનાવો અંગે સ્થાનિક પોલીસે જરૃરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:11 pm IST)