Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લોકોને એકાદ મહિનો બોરનું પાણી પીવાની ફરજ પડી શકે

શેઢીના રિપેરીંગ કામને કારણે બોરનું જ પાણી : ૨૦ જૂનથી શેઢી કેનાલનું પાણી પુરૃ પાડવા માટેની યોજના હતી પરંતુ હવે ચોમાસુ ખેંચાતા સ્થિતિ ધૂંધળી બની ગઈ

અમદાવાદ,તા.૧૬ : રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧પ માર્ચથી શહેરને દરરોજ ર૦૦ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પાડતી શેઢી કેનાલનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે. ૧પ વર્ષ બાદ શેઢી કેનાલનું રિપેરિંગ કામ થઇ રહ્યું હોઇ તેની પાછળ રૃ.૧૪પ કરોડ ખર્ચાઇ રહ્યા છે, જોકે શેઢી કેનાલના રિપેરિંગના પગલે શહેરીજનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં બોરનું ક્ષારયુક્ત પાણી પીવું પડ્યું હતું અને હજુ પણ આગામી ર૦-રપ દિવસ સુધી બોરનું પાણી પીવાની ફરજ પડે તેવા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યારે દરરોજ ૧૭૦થી ૧૮૦ એમએલડી બોરનુું પાણી અપાઇ રહ્યું છે. આમ તો રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ગત તા.૧ માર્ચ, ર૦૧૮થી શેઢી કેનાલનું રિપેરિંગ કામ શરૃ થવાનું હતું, પરંતુ ખેડૂતોને સિંચાઇ માટે તા.૧પ માર્ચ સુધી પાણી પૂરું પાડવું જરૃરી હોઇ તેટલા સમય સુધી રિપેરિંગ કામ મુલતવી રખાયું હતું. શેઢી કેનાલના રિપેરિંગ કામથી શહેરને દૈનિક મળતા ર૦૦ એમએલડી પાણીની ઘટ પડવાથી ઉનાળામાં પાણીની કારમી તંગી સર્જાશે તેવો તંત્રમાં ફફડાટ પેસી ગયો હતો, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા નર્મદામાંથી ૧૦૦ એમએલડી પાણીનો જથ્થો વપરાશ માટે લેવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને છૂટ અપાઇ હતી. જ્યારે બોરમાંથી વધુ ૧૦૦ એમએલડી પાણી મેળવીને શેઢી કેનાલની ખોટને સરભર કરવાનો નિર્ણય લેવાયો હતો. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનની પાણીની ટાંકીને ભરવા તાત્કાલિક ધોરણે નવા ૩૦ બોર બનાવવાની મંજૂરી પણ અપાઇ હતી. હાલમાં તંત્રના પાણીની ટાંકી સાથે જોડાયેલા રર૬ બોર સહિતના કુલ પ૪૦ બોરમાંથી નાગરિકોને દરરોજ ૧૭૦થી ૧૮૦ એમએલડી પાણી પૂરું પડાઇ રહ્યું હોઇ ઉનાળામાં શહેરમાં પાણીની તંગીની ફરિયાદ ઊઠી ન હતી. જો કે, જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંચાઇ વિભાગ દ્વારા આગામી તા.ર૦ જૂનથી શેઢી કેનાલનું પાણી પૂરું પડાશે તેવી ચર્ચા થતી હતી, પરંતુ હવે ચોમાસું ખેંચાતાં આગામી તા.૧૦ જુલાઇ પહેલાં શેઢી કેનાલનું પાણી મળે તેવી શકયતા ધૂંધળી બની છે. મહિના સુધી બોરનું જ પાણી પીવું પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

 

(8:10 pm IST)