Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમદાવાદમાં ધૂળની આંધીથી લોકો પરેશાનઃ ચારે તરફ ભારે પવન સાથે ધૂળનું સામ્રાજય છવાઇ ગયું:૧૬૧૭માં મુઘલ બાદશાહ જહાંગીર પહેલી વાર આવ્યા ત્યારે અમદાવાદની ધૂળનું શહેર કહયું હતું

અમદાવાદઃ હવામાનમાં પલ્ટા સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે અમદાવાદમાં ધૂળની આંધીથી લોકો પરેશાન થઇ રહયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ બે દિવસ સુધી આવુ વાતાવરણ યથાવત રહેશે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ જ પ્રકારનું વાતાવરણ આગામી બે દિવસ માટે રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસોમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ પડે તેવું લાગતું નથી.

ડસ્ટ સ્ટ્રોમથી અનેક પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યાઓ થઈ શકે છે. જેમને ધૂળની એલર્જી છે તેવા લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે જ્યારે બાકીને જે લોકો બહાર નીકળે છે તેમને મોઢા ફરતે રુમાલ બાંધવા જણાવાયું છે જેથી ધૂળના રજકણો તમારી શ્વસનનળીમાં ન ચાલ્યા જાય.

બોડકદેવમાં પોતાની પ્રેક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. અખિલ મુકિમ કહે છે કે મારે ત્યાં રોજ 8-10 વ્યક્તિઓ એવી આવી છે જે નાકમાંથી પાણી જવું, આંખો બળવી કે પછી શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી ફરિયાદ કરે છે. શહેરનું વાતાવરણ ખરાબ હોવાથી પોતાને હાઈડ્રેડ રાખો અને જ્યારે પણ બહાર નીકળો ચહેરાને કપડાથી કવર કરો.

જ્યારે કેટલાક પર્યાવરણવાદીઓએ આ માટે શહેર અને તેની આસપાસના વિસ્તારમાં નિકળતા વૃક્ષોના નિકંદનને જવાબદાર ગણાવ્યું છે. ઝાડ જમીનની માટી અને ધૂળને જકડી રાખે છે તેથી ભારે પવનમાં પણ ધૂળની આંધીની શક્યતા ઓછી થઈ જાય છે.

(7:44 pm IST)