Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામાની અફવા ફેલાવીને સરકારને અસ્થિર કરનાર કોણ? ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાયબર ક્રાઇમને તપાસ સોંપી

ગાંધીનગરઃ સોશ્યલ મીડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાજીનામુ આપી રહયા છે તેવી અટકળો વહેતી થઇ હતી. ભારે અફવા ફેલાતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આવી અફવાઓ કોણ ફેલાવી રહયું છે તેની તપાસ કરવા માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાઇબર ક્રાઇમને તપાસ સોંપી છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સરકારને બદનામ કરવાથી માંડીને અસ્થિર કરવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જો કે રાજ્યમાં અને સરકારમાં કોઇ વિખવાદ નથી, આ ષડયંત્ર ઘડનારાઓને ખુલ્લા પાડવા માટે સાયબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના રાજીનામાંથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંની ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી જોરશોરથી ચાલી હતી. જેને રાજ્ય સરકારે પણ ગંભીર ગણીને આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પત્રકારો સાથેની વાતચીતમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેથી શંકાની સોય હાર્દિક પટેલ તરફ પણ છે. આ ઉપરાંત ગુજરાતની રૂપાણી સરકારની કામગીરી અને આ નિર્ણયથી નારાજ થયેલા કેટલાક ભાજપના નેતાઓ દ્વારા પણ સરકારને અસ્થિર કરવા માટેનું ષડ્યંત્ર કરવામાં આવ્યું હોઈ શકે છે. જે અંગે પણ તપાસ થઈ શકે છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકારને અસ્થિર કરવાના કાવતરાને ગૃહ રાજ્યમંત્રીએ ગંભીરતાથી લઈને તેની તપાસ સાઇબર ક્રાઇમને સોંપવાનો નિર્ણય લીધો છે.

(7:41 pm IST)