Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બે સગા ભાઇ ૫૦ લાખનું ફુલેકું ફેરવી પલાયન થયા

શહેર ક્રાઇમ બ્રાંચમાં વિધિવત રીતે ફરિયાદ :રિલીફરોડ ઉપરની બ્રાન્ચમાં મેનેજર અને આસિ.મેનેજર તરીકે નોકરી કરતા બે ભાઈએ પેઢીમાં કરેલી છેતરપિંડી

અમદાવાદ,તા.૧૬ :રાજકોટની આંગડિયા પેઢીની અમદાવાદના રિલીફરોડ પર આવેલી બ્રાન્ચમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા બે સગા ભાઈઓ પેઢીના રૂ.૫૦ લાખ લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટનાને પગલે આંગડિયા વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. આંગડિયા પેઢીના માલિકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ એરપોર્ટ રોડ પર પૃથ્વી આરાધના સોસાયટીમાં રહેતા પાર્થ પૃથ્વીસિંહ ડોડિયા (ઉં.વ.૩૫) રાજકોટ દીવાનપરા વિસ્તારમાં જય સોમનાથ એન્ડ કંપની નામે આંગડિયા પેઢી ધરાવે છે. અમદાવાદના રિલીફરોડ પર ઝવેરીવાડમાં તેમની બ્રાન્ચ આવેલી છે. પાટણના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રહેતા નવલભાઈ વેલજીભાઈ ઠાકોર અને જગદીશ વેલજીભાઈ ઠાકોર રિલીફરોડ પરની આ બ્રાન્ચમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.૧૮ મે, ૨૦૧૮ના રોજ બપોર સુધી બંનેમાંથી એકનો પણ પાર્થભાઈ પર હિસાબની લેવડદેવડ અંગે ફોન ન આવતાં તેમના મોબાઈલ પર ફોન કર્યા હતા. મોબાઈલ સ્વિચ ઓફ આવતાં પેઢીમાં કામ કરતા વસંતભાઈ શાહને ફોન કરી પૂછતાં બંને ભાઈઓ આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ કોઈને આપવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શંકા જતાં પાર્થભાઈ અમદાવાદ આવ્યા હતા. પેઢીમાં તપાસ કરતાં રૂ.૫૦ લાખ ગાયબ હતા.

બંને ભાઈઓ રૂપિયા લઈ ગયા હોવાથી તેમના ભાઈ વિષ્ણુભાઈ વેરસીભાઈ ઠાકોરને ફોન કરી પૂછતાં મને નવલભાઈ અને જગદીશભાઈ વિશે ફોન કરવો નહીં, તમારા પૈસા નહીં મળે, ફરી ફોન કર્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વતનમાં તપાસ કરતાં ત્યાં પણ બંને ભાઈ મળી આવ્યા ન હતા. જેથી આંગડિયા પેઢીના માલિક પાર્થભાઈએ આખરે આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે બંને આરોપી ભાઈઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:17 pm IST)