Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ખેડા તાલુકાના ગોવિંદપુરામાં અજાણી યુવતીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા રહસ્ય અકબંધ

ખેડા: તાલુકાના ગોવિંદપુરા સીમમાં ગત શુક્રવારે ૨૫ વર્ષીય અજાણી યુવતીની હત્યા કરેલી મળી આવેલી લાશને આજે સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ ઓળખવિધિ ના થતાં તપાસ આગળ વધી શકી નથી જેને લઈને રહસ્યના અનેક વમણો સર્જાયા છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોવિંદપુરા ગામની સીમમાં અજાણી ૨૫ વર્ષીય યુવતિની લાશ પડી હોવાની માહિતી ગોવિંદપુરામાં રહેતા નટવરભાઈએ ખેડા પોલીસમાં તા.૮-૬-૧૮ ના રોજ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને જોયું તો આ યુવતિના ગળામાં દોરડું બાંંધેલું હતું. જેથી પ્રથમ નજરે યુવતિએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ શકે. પરંતુ આત્મહત્યા કરવા માટે મહિલાની લાશ જ્યાં પડી હતી તેની આજુબાજુ કોઈ ઝાડ ન હતું. જેથી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હોવાનું દેખાતુ હતું. પોલીસે લાશનો કબજો લઈ પી.એમ માટે અમદાવાદ મોકલી હતી. જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. 
પોલીસની તપાસમાં મરનાર યુવતિએ ગળામાં મંગળસુત્ર પહેર્યુ હતું. તેના પરથી મરનાર પરિણીત હોવાનું ફલિત થાય છે. તેના હાથ પર હિન્દીમાં કરીના અને કે.આર.એચ. લખ્યું હતું. તે જોતા આ યુવતિ હિન્દીભાષી પરપ્રાંતિય હોઈ શકે છે. ખેડા પોલીસે આ લાશની ઓળખ માટે છેલ્લાં એક સપ્તાહથી પ્રયત્નો હાશ ધર્યા છે. પરંતુ આ લખાય છે ત્યારે કોઈ ઓળખ થઈ ના હોવાનું ખેડા પોલીસે જણાવ્યું છે.

(6:09 pm IST)