Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બોરસદ તાલુકાના જંત્રાલમાં રસ્તા પર સાયકલ મુકવા બાબતે ઝઘડો થતા બેને ઇજા

બોરસદ:તાલુકાના જંત્રાલ ગામે ગઈકાલે સવારના સુમારે રસ્તામાં સાયકલ મૂકવાની બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં એકને ધારીયું તેમજ બીજાને લાકડી મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે વીરસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પાર્વતીબેન હસમુખભાઈ રાવળે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાવળવાસમાં રહેતા ભરતભાઈ કાનજીભાઈ રાવળે રસ્તામાં સાયકલ મૂકવા બાબતે ગાળો બોલતો હોય પાર્વતીબેન તથા હસમુખભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ભરતભાઈનું ઉપરાણુ લઈને પ્રિતેષભાઈ વિનુભાઈ ઠાકોર ધારીયું લઈને તેમજ અલ્પેશભાઈ રમણભાઈ ઠાકોર અને ધર્મેન્દ્રભાઈ સુરેશભાઈ ઠાકોર લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા. પ્રિતેશભાઈએ ધારીયું મારવા જતાં હસમુખભાઈએ જમણો હાથ વચ્ચે લાવી દેતાં બીજી આંગણીએ ધારીયું વાગતાં લોહી નીકળ્યું હતુ. બીજા શખ્સોએ પણ લાકડીઓથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
સામા પક્ષે મંગુબેને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ પોતાના દીકરાને ઠપકો કરતા હતા ત્યારે હસમુખભાઈ છગનભાઈ રાવળે એકદમ ગુસ્સે ભરાઈને મંગુબેન સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે, તમે મને કેમ બોલો છો તેમ કહેતા જ મગુબેને જણાવ્યું હતુ કે, તને ક્યાં બોલુ છુ તેમ કહેતા જ હસમુખભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાની લાકડી ડાબા હાથના અંગુઠા ઉપર મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. પાર્વતીબેન, જયંતિભાઈ તથા મનુભાઈએ ઉપરાણું લઈને આવી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:08 pm IST)