Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની ૨૧મીથી સાણંદમાં શિબિર

ગુજરાતમાં મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ વોર્ડ સ્તરે કરશે આંદોલન : સરકારની ખોલશે પોલઃ લોકસભા ચૂંટણીમાં મહિલાઓના પ્રશ્ને મોદીજીની નિષ્ફળતાઓ - વચનભંગને યાદ કરાવાશે

અમદાવાદ તા. ૧૬ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં મહિલાઓને મત અંકે કરવા માટે મહિલા કોંગ્રેસ મહિલાઓને લગતા મુદ્દાઓ લઈને જનસંપર્ક અભિયાન હાથ ધરશે. મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુસ્મિતા દેવે જણાવ્યું છે. ગ્રામ પંચાયતથી માંડીને લોકસભાની ચૂંટણીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ મતદાન કરે છે ત્યારે કોંગ્રેસને મહિલાઓના વધુ મત મળે તે માટે મહિલાઓને સ્પર્શતા મુદ્દા લઈને ડોર ટુ ડોર પ્રચાર કરાશે. અલબત્ત્।, ટ્રીપલ તલાકના મુદ્દે મોદી સરકાર ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, આ નિર્ણય મુસ્લિમ મહિલાઓની તરફેણમાં નથી. તેથી જ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર હાલ પુરતી બ્રેક મારી છે. લોકસબાના ઉમેદવાર અંગે પણ અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

અમદાવાદની મુલાકાતે આવેલાં મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત કોંગ્રેસના ટોચના મહિલા નેતાઓ સાથે બેઠક યોજીને લોકસભાની આગામી ચૂંટણીની પૂર્વતૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મોદી સરકાર પર મહિલાઓને આપેલાં વચનો પાળ્યા ન હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતભરમાં ઘરે ઘરે ફરીને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ આપેલાં વચનો અને તે પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલી ભાજપ સરકારની પોલ ખોલીશું.

રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષા સુસ્મિતા દેવ શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમણે મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સહિત વિવિધ હોદ્દેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજી હતી અને જાહેર કર્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની ત્રણ દિવસની શિબિર સાણંદ ખાતે ૨૧મી જૂનથી શરૂ થશે. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ વોર્ડ સ્તરે આંદોલન કરશે. સુસ્મિતા દેવે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસ મહિલાઓને વધારે ટિકિટ આપે છે. મહિલા અનામત બિલને કેન્દ્રની ભાજપ સરકારે અભેરાઈએ ચઢાવી દીધું છે, જેના માટે આરએસએસની વિચારધારા કારણભૂત છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સંદર્ભે જિલ્લાઓના મહિલા પ્રમુખો પાસેથી મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે અભિપ્રાયો લીધા હતા. જે તે લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસની શું સ્થિતિ છે તે વિશે ચર્ચા કરી હતી.

ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના ૯ રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટરોની નિમણૂકો થઈ છે, તેમાં છેલ્લે વિધાનસભા ચૂંટણી હારેલા કામિનાબા રાઠોડને સામેલ કરાયા છે. આ ઉપરાંત લતા ભાટિયાનો સમાવેશ કરાયો છે.(૨૧.૧૫)

(4:04 pm IST)