Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સાઉથ ગુજરાતના કયા-કયા મોટા માથાની સંડોવણી છે ? તુર્તમાં ધડાકા-ભડાકા

હવે ગેરકાયદે ખનન પ્રવૃતિની તપાસ પણ ગાંધીનગરે એસીબીને સુપ્રત : કેશવકુમારના માર્ગદર્શનમાં એસીબીના વિવિધ યુનીટો દ્વારા તપાસનો ભારે ધમધમાટ શરૂ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહિત કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કાગળ પર જ ખેત તલાવડી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ રાજકોટ એસીબી વિભાગના આસી. ડાયરેકટર એ.પી.જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ કૃષ્ણકુમારસિંહ ગોહીલ વિ. ટીમ દ્વારા થયા બાદ રાજયભરમાં ખેત તલાવડીના મોટા કૌભાંડોની તપાસ ચલાવતી એસીબી ટીમને ગુજરાતના રેતી માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા મોટા મગરમચ્છોની તપાસ સુપ્રત થતા જ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં સુરત યુનીટ સહિત એસીબીના વિવિધ યુનીટોએ તપાસનો પ્રારંભ કર્યાનું એસીબી સુત્રો જણાવે છે. 

અત્રે યાદ રહે કે, તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ઘાસીયામેડા ગામે ગેરકાયદે ખનન પ્રવૃતિ પર ત્રાટકી ટ્રકો વગેરે મુદામાલ કબ્જે કરી કલેકટરને આ બાબતે એસીબી વડા કેશવકુમારે રીપોર્ટ કરતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આ તપાસ સુપ્રત થઇ છે. મોટા પાયે ચાલતી ખનન પ્રવૃતિમાં કયાં મોટા સાઉથ ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ છે તેની તપાસ એસીબીના સુરત એકમના એન.પી.ગોહીલના માર્ગદર્શનમાં  શરૂ થઇ છે. આ બાબતે તુર્તમાં ધડાકા-ભડાકા થશે.

(12:44 pm IST)