Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કુપોષણ સામેની લડતમાં અમૂલ કરશે સરકારની મદદ : રૂ. ૬૦૦૦ કરોડનો કરાર

ત્રણ નવા પ્લાન્ટ શરૂ કરાશે : ૪૨ લાખ લાભાર્થીઓને લાભ મળશે : ગુણવત્તાસભર વસ્તુઓ વપરાશે

વડોદરા તા. ૧૬ : રાજયમાં બાળકો, તરૂણ છોકરીઓ અને ગર્ભવતી  સ્ત્રીઓમાં વધતી રહેલી કુપોષણની સમસ્યાને પહોંચડી વળવા માટે રાજય સરકારે અમૂલની મદદ લીધી છે. ગુજરાત સરકારે અમૂલ સાથે ૧૦ વર્ષ માટે THM (ટેક હોમ રાશન) કરાર કર્યા છે. જે અંતર્ગત અમૂલ વધારાના પોષકતત્વો મળી રહે તેવો ખોરાક ખરીદશે. આ પ્રોજેકટ પાછળ ૬,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ માટે અમૂલ ૩ નવા પ્લાંટ ઊભા કરશે. THRનો 'બાળભોગ' ૬ મહિનાથી ૬ વર્ષના બાળક માટે અને 'સખીભોગ' ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ તરુણીઓ માટે છે.

GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેકટર આર.એસ. સોઢીએ કહ્યું કે, 'અમૂલ ડેરીમાંથી દર મહિને અમે લગભગ ૨૦૦૦ ટન જેટલો 'બાળભોગ અને સખીભોગ'નો સપ્લાય કરીએ છીએ. હવે બનાસ ડેરી, અમૂલ ડેરી અને સૂમુલ ડેરીમાં કુલ ૩ નવા પ્લાંટ શરૂ કરવામાં આવશે. જેથી અમે એક દિવસમાં ૨૦૦૦ ટન THR ઉત્પાદિત કરી શકીએ અને રાજયના તમામ જિલ્લાઓને આવરી લેવાય.'

THRમાં ઘઉં, બેસન, સોયાબીનનો લોટ, ખાંડ, તેલ, ચોખા, મકાઈ અને વધારાના પોષક તત્વોનો સમાવેશ કરાશે. THRના પેકમાંથી પરિવાર સુખડી, શીરો, રાબ, લાડુ, થેપલા, મૂઠિયા, પાતરાં, ભાખરી, પુડલા અને કટલેસ જેવી વાનગીઓ બનાવી શકશે. GCMMFના અધિકારીઓના મતે, નવા પ્લાંટ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે અને અમૂલ સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં THR પેકનું સપ્લાય શરૂ કરી દેશે.

મહિલા અને બાળ વિકાસના ઈન-ચાર્જ સેક્રેટરી મિલિંદ તોરવાણેએ કહ્યું કે, 'તમામ THR પેક પર બાર કોડ લાગેલો હોવાથી દરેક સ્તરે તેને ટ્રેક કરી શકાશે. રાજય સરકાર સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાંથી અમૂલને લોટ, તેલ અને અન્ય મટીરિયલનો સપ્લાય તેની ગુણવત્ત્।ાની ચકાસણી કર્યા પછી કરશે. અમૂલ તેમાંથી THR તૈયાર કરશે અને ICDS આંગણવાડી કેંદ્રોમાં મોકલી આપશે. આશરે ૪૨ લાખ લાભાર્થીઓને દરરોજ THR મળશે.'

તોરવાણેએ વધુમાં જણાવ્યું કે, 'અમૂલ ખાતરી કરશે કે વ્ણ્ય્ માટે વપરાતી દરેક વસ્તુની ગુણવત્તા નિર્ધારિત ધોરણ મુજબની હોય. દર વર્ષે રાજય સરકાર લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ૬,૦૦૦ મેટ્રીક ટન ખાદ્યપદાર્થનો જથ્થો ખરીદશે. આ યોજના આગામી ૧૦ વર્ષ માટે છે.' ૨૦૧૬-૧૭માં 'દૂધ સંજીવની યોજના' અંતર્ગત અમૂલે સ્કૂલે જતા બાળકોને પેશ્યૂરાઈઝડ હોમોજિનાઈઝડ પોષક તત્વોવાળું ફલેવર્ડ દૂધ આપવાની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામ હેઠળ અમૂલે ૧૨,૦૦૦ સ્કૂલ અને ૧૬,૦૦૦ આંગણવાડીના ૨૪.૫ લાખ લાભાર્થીઓને આવરી લીધા છે. રાજયભરના આ લાભાર્થીઓને દરરોજ સાડા ત્રણ લાખ લિટર દૂધનો સપ્લાય થાય છે.(૨૧.૧૧)

(7:55 pm IST)