Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વિજયભાઇ પીડિત પરિવારની મુલાકાત લઇ દાખલો બેસાડેઃ દલિત ધારાસભ્યો-નેતાઓ કાં ચૂપઃ જીજ્ઞેશ મેવાણી

અમદાવાદ તા. ૧૬ : અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિઠ્ઠલાપુરની ઘટના અંગે ભાજપ પર નિશાન તાકતા જણાવ્યું છે કે, ઉનાકાંડથી લઇને શાપર અને તે પછીની પણ નાની-મોટી ઘટનાઓમાં રાજય સરકારે કોઇ નક્કર કાર્યવાહી ન કરતા દલિત વિરોધી માનસિકતા ધરાવતા લોકોની હિંમત વધી ગઇ છે. ભાજપ જે રીતે સ્વચ્છતા અભિયાન ચલાવે છે તેવી રીતે અસ્પૃશ્યતા નાબૂદીનું અભિયાન કેમ ચલાવતી નથી તેમ કહેતા તેમણે ભાજપના દલિત ધારાસભ્યો કે મોરચાના નેતાઓ શા માટે પીડિત દલિત પરિવારોની મુલાકાત લેતા નથી તેવો સવાલ પણ કર્યો છે.

વિઠ્ઠલાપુર-મહેસાણાની ઘટનામાં એક દલિત યુવકે રજવાડી મોજડી પહેરતા કેટલાક યુવકોએ તેને ઢોર માર મારીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેતા તે વાઇરલ બન્યો હતો. મેવાણીએ આ મુદ્દે કહ્યું હતું કે, જો અમારા દ્વારા આ મામલો ઉઠાવવામાં આવે તો ભાજપ દ્વારા તેને ચગાવાતો હોય તેવો આક્ષેપ થાય છે તેથી આ વખતે ભાજપના દલિત ધારાસભ્યો જેઓ આવી ઘટના થાય તો પણ કંઇ બોલી શકતા નથી કેટલાક પોતાને દલિત નેતાઓ કહેવડાવે છે તેમણે પીડિત પરિવારની મુલાકાત લેવી જોઇએ.

પોલીસ ફરિયાદ કરવાની હિંમત પણ શરૂઆતમાં ડરના કારણે ગુમાવી બેઠેલા આ કિશોરની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ મુલાકાત લેવી જોઇએ જેથી જેમનામાં આવી માનસિકતા ઘર કરી ગઇ છે તેમને પણ એવો સંદેશો જાય કે રાજય સરકાર આવી ઘટનાઓ ચલાવી લેવા તૈયાર નથી.(૨૧.૬)

 

(10:06 am IST)