Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ટ્રેકટરો આવતા બળદનો ઉપયોગ બંધ થયો ને પ્રદૂષણ વધ્યું

આવતીકાલે વાંસજડા (સાણંદ - કલોલ રોડ) ખાતે રાજ્યના ૩૩ જિલ્લાના પાંજરાપોળ - ગૌશાળાના સંચાલકોની બેઠક : ગિરીશભાઇ શાહ - સમસ્ત મહાજનઃ ગુજરાતમાં રોજ ૧૬૬ લાખ લિટર દૂધ એકત્ર થાય છે : નાના પશુપાલકોને સારો આર્થિક ટેકો : પણ વાછડા - પાડાનું ભારણ પાંજરાપોળ - ગૌશાળા ઉપર આવી ગયું: પ્રતિદિન ૧ લીટર દૂધ ઉપર ૧ રૂ. સરચાર્જ ચડાવી આ રકમ રોજેરોજ : પાંજરાપોળ - ગૌશાળાને મળે તેવી વ્યવસ્થા ગોઠવો : રાજસ્થાનમાં સ્ટેમ્પ ડયુટી ઉપર ૧૦ ટકા અને હિમાચલમાં દેશી દારૂ પર એકસાઇઝ વસુલી પશુ માટે પાંજરાપોળ - ગૌશાળાને ન અપાય છે : આવા અનેક મુદ્દા ચર્ચાશે

રાજકોટ તા. ૧૭ : વર્તમાન સમયમાં ઘાસચારાની અછત અને આર્થિક મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટે રાજયની પાંજરાપોળ-ગૌશાળાઓનાં સંચાલકોની એક બેઠક તા.૧૭મી જૂન, રવિવાર બપોરે ૨.૩૦ વાગ્યાથી વાંસજડા, સાણંદ-કલોલ રોડ ખાતે યોજાવાની છે. સાથે જ હળ-બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકારને રજૂઆત કરાશે.

આ અંગે વિગતો આપતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનાં ૩૩ જિલ્લાઓનાં પાંજરાપોળ-ગૌશાળાના પ્રતિનિધિની સમન્વય સમિતિની બેઠક રવિવારે મળી રહી છે. આ પ્રસંગે જુદા-જુદા ઠરાવો પણ કરવામાં આવશે. સાથોસાથ રાજય સરકાર સમક્ષ ગોવંશ સંરક્ષણ માટે કેટલીક ભલામણો પણ કરવામાં આવશે. જે અંતર્ગત ટ્રેકટરોથી થતી ખેતીને કારણે બળદોની આવશ્યકતા ઘટવાથી પ્રદૂષણ વધ્યું છે ત્યારે હળ અને બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહિત કરવાનાં પગલાં લેવામાં આવશે. ખાસ કરીને વાહન-વ્યવહારમાં પણ જયાં શકય છે, ત્યાં બળદગાડુ, ઊંટગાડી, ઘોડાગાડીને પ્રોત્સાહિત કરવામાં આવે. .

તેમણે જણાવ્યું કે, અત્યારે ગુજરાતમાં રોજનું ૧૬૬ લાખ લિટર દૂધ ભેગું થાય છે. પશુપાલન વધવાને કારણે ગામડાંના નાના પશુપાલકોને સારો આર્થિક ટેકો મળી ગયો છે, પરંતુ તેનાં વાછડાં-પાડા સાચવવાનું ભારણ સીધેસીધું પાંજરાપોળ-ગૌશાળા ઉપર આવી ગયું છે.

પ્રતિદિન પ્રતિ લિટર દૂધ ઉપર એક રૂપિયો સરચાર્જ ચઢાવી તે રકમ રોજેરોજ પાંજરાપોળ-ગૌશાળાને મળે તેવી યંત્રણા ગોઠવવી જરૂરી છે. રાજસ્થાન સરકારે સ્ટેમ્પ ડ્યૂટી પર ૧૦ ટકા સરચાર્જ રાખ્યો છે અને તે રકમ પાંજરાપોળ-ગૌશાળાને આપવામાં આવે છે. જયારે હિમાચલ પ્રદેશ સરકારે દેશી દારૂ પર ચાર રૂપિયા એકસાઈઝ રાખી છે, તેમાંથી એક રૂપિયો પશુઓ માટે વાપરવાનો નિર્ણય લીધો છે. આ સહિતનાં અનેક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.(૨૧.૫)

(10:05 am IST)