Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમદાવાદ એરપોર્ટનું પ્રાઇવેટાઇઝેશન નહિ થાય

ખાનગી કંપનીઓને રસ નો'તો : એરપોર્ટ મેઇન્ટેનન્સ હવે સરકારી ઓથોરીટી જ સંભાળશે : ગુરૂપ્રસાદ મહાયાત્રા

રાજકોટ તા. ૧૬ : અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેકટ ઘોંચમાં મુકાયો છે. છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફકત મેઇન્ટન્સ માટે બીડ મંગાવ્યા હતા પરંતુ કોઇ ખાસ કંપનીઓ ન આવતા ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે.

બીજીતરફ એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે હવે ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) જ એરપોર્ટનું મેઇન્ટેન્સ કરી ડેવલોપ કરે તેવી શકયતાઓ છે, તે દિશામાં ઓથોરિટીએ ચક્રો ગતિમાન કર્યા છે. અને હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય તેવુ એએઆઇના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યુ હોવાનું અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયું છે.

અમદાવાદ એરપોર્ટનું સૌ પ્રથમ ખાનગીકરણની જાહેરાત કર્યા બાદ આખી પ્રક્રિયા ફેરવી નાંખી સિંગાપોરના ચાંગી મેનેજમેન્ટને આપવાનું નક્કી કર્યુ હતુ તેનો પણ ફલોપ શો થયા બાદ પીપીપી મોડલ પર ફકત એરપોર્ટનો ચેકઇન એરિયા સહિત અમુક જ ભાગ મેઇન્ટેનન્સ કરવા પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ મંગાવ્યા હતા પરંતુ ટેન્ડરની પોલીસી મુજબ ખાસ કોઇ કંપનીઓએ રસ ન દાખવતા હવે એરપોર્ટ ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ હતી.(૨૧.૨)

(10:04 am IST)